૧૨૧
૧ હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ.
મને ક્યાંથી સહાય મળે?
૨ જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે,
તેમની તરફથી મને સહાય મળે છે.
 
૩ તે તારા પગને ડગવા દેશે નહિ;
જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
૪ જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે
તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
૫ યહોવાહ તારા રક્ષક છે;
યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
૬ દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર
તને નુકસાન પહોંચાડશે નહિ.
૭ સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે;
તે તારા આત્માની સંભાળ રાખશે.
૮ હમણાંથી તે સર્વકાળ માટે
તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.