૧૨૨
૧ જ્યારે તેઓએ મને કહ્યું કે,
“ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
૨ હે યરુશાલેમ, તારા દ્વારોમાં
અમે ઊભા રહ્યા હતા.
૩ યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા
નગરના જેવું બાંધેલું છે.
૪ ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો,
ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે,
યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
૫ કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો
દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
૬ યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો!
જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
૭ તારા કોટની અંદર શાંતિ
અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
૮ મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર
હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
૯ આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે
હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.