૧૪૨
૧ હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું;
ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
૨ તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું;
હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
૩ જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે,
ત્યારે તમે મારા માર્ગો જાણો છો.
જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ
મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
૪ હું મારી જમણી બાજુએ જોઉં છું,
તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી.
મારું નાસવું નિષ્ફળ ગયું છે;
મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
૫ હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું,
“તમે જ મારો આશ્રય છો,
મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
૬ મારો પોકાર સાંભળો,
કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું;
મને સતાવનારાના હાથમાંથી છોડાવો,
કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
૭ મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો,
કે જેથી હું તમારા નામનો આભાર માની શકું.
ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે
કેમ કે તમે મારા માટે ભલા છો.