૧૪૧
૧ હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો.
જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
૨ મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ;
મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
૩ હે યહોવાહ, મારા મુખની ચોકી કરો
અને મારા હોઠનું દ્વાર સંભાળો.
૪ અન્યાય કરનારાઓની સાથે
હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી
મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો.
તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
૫ જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ.
તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે;
મારું માથું તેનો નકાર નહિ કરે.
પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
૬ તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે;
તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
૭ તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ,
અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.”
૮ હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે;
હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
૯ તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા
દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
૧૦ દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય,
એટલામાં તો હું બચી જાઉં.