૧૩૨
૧ હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા
તે તેના લાભમાં સંભારો.
૨ તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા,
યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
૩ તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું;
અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
૪ ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું
અને મારા પલંગ પર નહિ સૂઉં.
૫ વળી મારી આંખોને ઊંઘ
અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
૬ જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું;
અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
૭ ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ;
આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
૮ હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
૯ તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ;
તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
૧૦ તમારા સેવક દાઉદની ખાતર
તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
૧૧ યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી;
“હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ;
તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
૧૨ જો તારા પુત્રો મારો કરાર
અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે;
તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
૧૩ હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે;
તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
૧૪ આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે;
હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
૧૫ હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ;
હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
૧૬ હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ;
તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
૧૭ ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ;
ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
૧૮ તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ,
પણ તેનો મુગટ પ્રકાશશે.