૨૩
૧ અને ઘણાં દિવસો પછી, યહોવાહે જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો. ૨ યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, “હું ઘણો વૃદ્ધ થયો છું. ૩ આ સર્વ દેશજાતિઓ સાથે યહોવા, તમારા પ્રભુએ તમારે માટે જે કર્યું, તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવા, તમારા પ્રભુએ, પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.
૪ જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે. ૫ યહોવા તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવા તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.
૬ તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ. ૭ તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ. ૮ પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવા, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.
૯ કેમ કે યહોવાહે તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે, તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી. ૧૦ તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવા, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે. ૧૧ માટે તમારા યહોવા, પ્રભુ પર પ્રેમ રાખવા માટે વિશેષ ધ્યાન રાખો.
૧૨ કેમ કે જો તમે કોઈ રીતે પાછા હઠશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્નસંબંધ બાંધીને ભળી જશો, ૧૩ તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવા પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવા, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.
૧૪ અને હવે, હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું, તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચે જાણો છો કે, જે સારાં વચનો તમારા યહોવા પ્રભુએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી. પણ એ વચનો પૂર્ણ થયાં છે. ૧૫ પણ જેમ તમારા યહોવા પ્રભુએ તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્યે ફળીભૂત થયાં, તેમ, આ જે સારી જમીન તમારા યહોવા પ્રભુએ તમને આપી છે, તેના પરથી તમારો નાશ થતાં સુધી યહોવા તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે.
૧૬ તમારા યહોવા પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાહનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો.”