૨૨
૧ તે સમયે યહોશુઆએ રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને બોલાવ્યાં, ૨ તેણે તેઓને કહ્યું, “યહોવાહનાં સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી, તે સર્વ તમે પાળી છે; જે સર્વ આજ્ઞા મેં તમને આપી, તે તમે પાળી છે. ૩ ઘણાં દિવસોથી આજ દિન સુધી તમે તમારા ભાઈઓને તજયા નથી. પણ તેને બદલે, તમે તમારા યહોવા, પ્રભુની આજ્ઞાઓ કાળજીથી પૂરેપૂરી પાળી છે.
૪ હવે તમારા યહોવા, પ્રભુએ તમારા ભાઈઓને પ્રતિજ્ઞા આપી હતી તે પ્રમાણે, તેમણે તેઓને વિસામો આપ્યો છે. તે માટે તમે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારો પોતાનો પ્રદેશ, જે યહોવાહનાં સેવક મૂસાએ તમને યર્દનની પેલી બાજુ પર આપ્યો હતો, તેમાં જાઓ. ૫ હવે જે આજ્ઞા તથા નિયમ યહોવાહનાં સેવક મૂસાએ તમને આપ્યા હતા તેને, એટલે કે પોતાના યહોવા, પ્રભુ પર પ્રેમ કરવો, તેમના સર્વ માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ પાળવી, તેમને વળગી રહેવું, પોતાના સંપૂર્ણ હૃદયથી અને પોતાના સંપૂર્ણ જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે કાળજીપૂર્વક ધ્યાનથી પાળો.” ૬ પછી યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા.
૭ હવે મનાશ્શાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં વારસો આપ્યો હતો, પણ તેના બીજા અર્ધ કુળને યહોશુઆએ તેઓના ભાઈઓની પાસે પશ્ચિમમાં યર્દન પાર વારસો આપ્યો. વળી જયારે યહોશુઆએ તેઓને તેઓના તંબુમાં મોકલી દીધા ત્યારે તેણે તેઓને આશીર્વાદ આપ્યો. ૮ અને તેઓને કહ્યું, “ઘણી સંપત્તિ સાથે, પુષ્કળ પશુધન સાથે, ચાંદી, સોનું, કાંસુ, લોખંડ અતિઘણાં વસ્ત્રો એ બધું સાથે લઈને તમારા તંબુઓમાં પાછા જાઓ. તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓની લૂંટ વહેંચી લો.”
૯ તેથી કનાન દેશમાંના શીલોહમાં ઇઝરાયલ લોકોને છોડીને રુબેનના વંશજો, ગાદના વંશજો અને મનાશ્શાનું અર્ધકુળ ઘરે પાછા ફર્યા. યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી તેનું પાલન કરીને તેઓ ગિલ્યાદ પ્રદેશ એટલે તેમના પોતાના દેશમાં જેનો તેઓએ કબજો કર્યો હતો તેમાં ગયા.
૧૦ જયારે તેઓ યર્દનમાં આવ્યા જે કનાન દેશમાં છે ત્યાં, ત્યાં રુબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસે દૂરથી દેખાય એવી ઘણી મોટી વેદી બાંધી. ૧૧ ઇઝરાયલના લોકોએ આ વિષે સાંભળ્યું અને કહ્યું, “જુઓ! રુબેનના લોકોએ, ગાદ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસેના ગેલીલોથના કનાન દેશની આગળ, જે ઇઝરાયલના લોકોની બાજુએ છે ત્યાં વેદી બાંધી છે.”
૧૨ જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે ઇઝરાયલના તમામ લોકો તેમની સામે યુદ્ધ કરવા સારુ શીલોહમાં એકત્ર થયાં.
૧૩ પછી ઇઝરાયલના લોકોએ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળ પાસે એલાઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો, ૧૪ અને તેની સાથે ઇઝરાયલના સર્વ કુટુંબોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબ દીઠ આગેવાન, એવા દસ આગેવાનો મોકલ્યા. અને તેઓમાંના બધાં ઇઝરાયલનાં કુટુંબોમાં પોતપોતાના પિતૃઓનાં ઘરોના વડીલો હતા.
૧૫ તેઓ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળની પાસે આવ્યા અને તેઓને કહ્યું: ૧૬ “યહોવાહની સમગ્ર પ્રજા એમ કહે છે કે, 'તમે ઇઝરાયલના પ્રભુની વિરુદ્ધ આ કેવો અપરાધ કર્યો છે? આજે તમે યહોવાહનાં અનુસરણથી પાછા વળી જઈને પોતાને સારુ વેદી બાંધીને યહોવાહની વિરુદ્ધ બળવો કર્યો છે.
૧૭ શું પેઓરનુ પાપ આપણા માટે બસ નથી? તેનાથી આપણે હજી સુધી પણ પોતાને શુદ્ધ કર્યા નથી. તે પાપને લીધે યહોવાહનાં લોકો ઉપર ત્યાં મરકી આવી હતી. ૧૮ શું તમે યહોવાહનાં અનુસરણથી આજે પાછા ફરી ગયા છો? જો તમે પણ આજે યહોવાહની વિરુદ્ધ બળવો કરો છો, માટે કાલે ઇઝરાયલના સમગ્ર લોકો ઉપર તે કોપાયમાન થશે.
૧૯ જો તમારા વતનનો પ્રદેશ અપવિત્ર હોય, તો તમે એ દેશમાં કે જ્યાં યહોવાહનો મંડપ ઊભો છે ત્યાં અમારી મધ્યે પોતાને માટે વારસો લો. પણ યહોવાહની વિરુદ્ધ દ્રોહ કરશો નહિ, બીજી વેદી બાંધીને યહોવા અમારા પ્રભુની વિરુદ્ધ દ્રોહ અને અમારી વિરુદ્ધ દ્રોહ કરશો નહિ. ૨૦ ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુઓની બાબતે યહોવાહે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરી તેમનો વિશ્વાસ તોડયો નથી શું? અને તેથી ઇઝરાયલના બધા લોકો પર કોપ આવ્યો હતો કે નહિ? તે માણસ એકલો જ પોતાના અપરાધમાં નાશ પામ્યો એવું નથી.”'
૨૧ ત્યારે રુબેનના કુળે, ગાદના કુળે તથા મનાશ્શાના અર્ધકુળે ઇઝરાયલના કુટુંબનાં આગેવાનોને જવાબ આપતા કહ્યું: ૨૨ “પરાક્રમી, પ્રભુ, યહોવા! એ જાણે છે. અને ઇઝરાયલ પોતે પણ જાણશે કે યહોવાહની વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહિ, ૨૩ જો અમે યહોવાહનાં અનુસરણથી પાછા ફરી જવા સારુ વેદી બાંધી હોય અને જો તે પર દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે શાંત્યર્પણના યજ્ઞો કરવા સારુ બાંધી હોય, તો યહોવા પોતે અમારી પાસેથી તેનો જવાબ માગો.
૨૪ અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયલના પ્રભુ, યહોવા સાથે તમારો શો લાગભાગ છે?
૨૫ કેમ કે યહોવાહે યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રુબેનના લોકો અને ગાદના લોકો તમારે યહોવા સાથે કશો લાગભાગ નથી.' એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાહની આરાધના કરતાં અટકાવે.
૨૬ માટે અમે કહ્યું કે હવે આપણે વેદી બાંધીએ તે દહનીયાર્પણને સારુ નહિ કે કોઈ બલિદાનને સારુ નહિ, ૨૭ પણ અમારી તથા તમારી વચ્ચે અને આપણી પાછળ આપણા સંતાનો વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે અમારાં દહનીયાર્પણોથી, બલિદાનોથી અને શાંત્યર્પણથી યહોવાહની સેવા કરવાનો અમને પણ હક છે, કે જેથી ભવિષ્યમાં તમારા સંતાનો અમારા સંતાનોને એવું ન કહે કે, “'તમને યહોવાહની સાથે કશો લાગભાગ નથી.”'
૨૮ માટે અમે કહ્યું, 'જો આ તેઓ ભવિષ્યમાં અમને કે અમારા વંશજોને એમ કહે, ત્યારે અમે એવું કહીશું કે, “જુઓ! આ યહોવાહની વેદીનો નમૂનો! તે અમારા પૂર્વજોએ સ્થાપી છે. તે દહનીયાર્પણ કે બલિદાનને સારુ નહિ પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા માટે છે.” ૨૯ અમારા પ્રભુ યહોવાહનાં મંડપની સામે તેમની જે વેદી છે, તે સિવાય અમે દહનીયાર્પણને સારુ, ખાદ્યાર્પણને સારુ કે બલિદાનને સારુ બીજી કોઈ વેદી બાંધીને યહોવાહનો દ્રોહ કરીએ તથા યહોવાહનાં અનુસરણથી પાછા વળી જઈએ, એવું અમારાથી કદી ન થાઓ.”'
૩૦ જયારે તેઓની સાથેના ફીનહાસ યાજકે લોકોના આગેવાનોએ અને ઇઝરાયલના કુટુંબનાં વડાઓએ રુબેનીઓ, ગાદીઓ તથા મનાશ્શાએ જે વચનો કહ્યાં તે સાંભળ્યાં ત્યારે તેઓને સારું લાગ્યું. ૩૧ એલાઝાર યાજકના દીકરા ફીનહાસે રુબેનના પુત્રોને, ગાદના પુત્રોને તથા મનાશ્શાના પુત્રોને કહ્યું, “આજે અમે સમજ્યા છીએ કે યહોવા આપણી મધ્યે છે, કેમ કે તમે આ બાબતે યહોવાહની વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇઝરાયલના લોકોને યહોવાહનાં હાથમાંથી છોડાવ્યાં છે.
૩૨ એલાઝાર યાજકના પુત્ર ફીનહાસે અને આગેવાનોએ રુબેનીઓ અને ગાદીઓ પાસેથી, ગિલ્યાદના પ્રદેશમાંથી, કનાન દેશમાં ઇઝરાયલના લોકો પાસે પાછા આવીને તેઓને ખબર આપી. ૩૩ તે સાંભળીને ઇઝરાયલના લોકોને સંતોષ થયો. તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને જે દેશમાં રુબેનીઓ અને ગાદીઓ રહેતા હતા, તે દેશનો નાશ કરવાની અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત ફરી કદી કરી નહિ.
૩૪ રુબેનીઓ અને ગાદીઓએ તે વેદીનું નામ “સાક્ષી” (એદ) પાડયું, કેમ કે તેઓએ કહ્યું કે, “તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ પ્રભુ છે.”