૨૫
૧ સિદકિયા રાજાના શાસનના નવમા વર્ષના દસમા માસના, દસમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત યરુશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા. ૨ એ પ્રમાણે સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી યરુશાલેમ નગર બાબિલના ઘેરામાં રહ્યું. ૩ તે વર્ષના ચોથા માસના નવમા દિવસે નગરમાં એટલો સખત દુકાળ પડ્યો હતો કે, દેશમાં લોકો માટે બિલકુલ ખોરાક ન હતો.
૪ પછી નગરના કોટને તોડવામાં આવ્યો, તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની બે દીવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા, કાસ્દીઓએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો. ૫ કાસ્દીઓનું સૈન્ય સિદકિયા રાજાની પાછળ પડ્યું અને તેને યરીખો પાસેના યર્દન નદીના મેદાનોમાં પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું.
૬ તેઓ રાજાને પકડીને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યા, ત્યાં તેને સજા કરવામાં આવી. ૭ તેની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા. ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, પિત્તળની સાંકળોથી બાંધીને તેને બાબિલમાં લઈ જવામાં આવ્યો.
૮ પાંચમા માસમાં, તે માસના સાતમા દિવસે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને ઓગણીસમેં વર્ષે રક્ષક ટુકડીનો સરદાર, બાબિલના રાજાનો ચાકર નબૂઝારદાન યરુશાલેમમાં આવ્યો. ૯ તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને તથા યરુશાલેમનાં બધાં ઘરોને બાળી નાખ્યાં; નગરનાં બધાં જ અગત્યનાં ઘરોને ભસ્મીભૂત કર્યાં. ૧૦ રક્ષકટોળીના સરદારના હાથ નીચે રહેલા બાબિલના આખા સૈન્યએ યરુશાલેમની દીવાલો ચારે બાજુથી તોડી પાડી.
૧૧ નગરના બાકી રહેલા લોકોને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને રક્ષકટોળીનો સરદાર નબૂઝારદાન કેદ કરીને બાબિલમાં લઈ ગયો. ૧૨ પણ રક્ષકટોળીના સરદારે અમુક ગરીબ લોકોને દ્રાક્ષાવાડીમાં અને ખેતરમાં કામ કરવા માટે રહેવા દીધા.
૧૩ યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભ, જળગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાહના ઘરમાં હતું તે બધું જ કાસ્દીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા. ૧૪ વળી તેઓ ઘડાઓ, પાવડા, કાતરો, ચમચા તથા પિત્તળના બધાં વાસણો જેનાથી યાજકો ઘરમાં સેવા કરતા હતા, તે બધું પણ લઈ ગયા. ૧૫ રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કૂંડીઓ લઈ ગયો.
૧૬ યહોવાહના સભાસ્થાનને માટે સુલેમાને બનાવેલા બે સ્તંભો, હોજ, જળગાડીઓ અને બધાં વાસણોના પિત્તળને તોલીને તેનું વજન કરી શકાય નહિ એવું હતું. ૧૭ એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, તેના પર પિત્તળનું મથાળું હતું. તેની ઊંચાઈ ત્રણ હાથ હતી, મથાળાની ચારે બાજુ જાળીકામ અને દાડમો પાડેલાં હતાં, તે બધાં પિત્તળનાં બનાવેલાં હતાં. પહેલાંની જેમ બીજો સ્તંભ પણ જાળીકામ કરેલા જેવો હતો.
૧૮ રક્ષકોના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાન્યાને તથા ત્રણ દ્વારરક્ષકોને કેદ કરી લીધા. ૧૯ ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના સાઠ માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા.
૨૦ રક્ષકટોળીનો સરદાર નબૂઝારદાન તેઓને લઈને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યો. ૨૧ બાબિલના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા. આમ યહૂદિયાના માણસોને બંદીવાન બનાવીને તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.
૨૨ બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદિયાના દેશમાં રહેવા દીધા હતા, તેઓના પર નબૂઝારદાને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને ઉપરી તરીકે નીમ્યો. ૨૩ જયારે સૈનિકોના સેનાપતિઓએ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને ઉપરી તરીકે નીમ્યો છે, ત્યારે તેઓ મિસ્પામાં આવ્યા. તે આ માણસો હતા: એટલે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેહનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માકાથીનો દીકરો યઝાન્યા, તેઓના માણસો ગદાલ્યાને મળ્યા. ૨૪ તેઓની અને તેઓના માણસોની સામે ગદાલ્યાએ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, “કાસ્દીઓના અધિકારીઓથી ડરશો નહિ. દેશમાં રહો અને બાબિલના રાજાના નિયંત્રણમાં રહો, એટલે તે તમારી સાથે ભલાઈથી વર્તશે.”
૨૫ પણ સાતમા માસે એવું થયું કે, એલિશામાના દીકરા નથાન્યાના દીકરા ઇશ્માએલે દસ માણસો સાથે આવીને ગદાલ્યા પર હુમલો કર્યો. ગદાલ્યા મરી ગયો, તેમ જ તેની સાથે યહૂદિયાના માણસો તથા બાબિલવાસીઓ પણ મિસ્પામાં મરી ગયા. ૨૬ ત્યાર પછી નાનાથી માંડીને મોટા સુધી બધા જ લોકો તથા સૈનિકોના સેનાપતિઓ ઊઠ્યા અને મિસર નાસી ગયા, કેમ, કે તેઓ બાબિલવાસીઓથી ડરતા હતા.
૨૭ યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલ થયાના સાડત્રીસમા વર્ષે, બારમા માસમાં, તે માસના સત્તાવીસમે દિવસે એવું બન્યું કે, બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે રાજા બન્યો તે વર્ષે, યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી મુકત કરીને ઉચ્ચ પદવી આપી.
૨૮ તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડયો. ૨૯ એવીલ મરોદાખે યહોયાખીનના બંદીખાનાનાં વસ્ત્રો બદલાવ્યાં, યહોયાખીને તેના જીવનના સર્વ દિવસોમાં હંમેશા રાજાની મેજ પર ભોજન કર્યું. ૩૦ અને તેના બાકીના જીવન સુધી રોજ તેના ખર્ચને માટે તેને ભથ્થું મળતું હતું.