૨૪
૧ યહોયાકીમના દિવસોમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર ચઢાઈ કરી; યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો ચાકર બની રહ્યો. પછી તેણે પાછા ફરી જઈને તેની સામે બળવો કર્યો. ૨ યહોવાહ પોતાના સેવક પ્રબોધકો દ્વારા જે વચન બોલ્યા હતા તે પ્રમાણે, યહોવાહે યહોયાકીમ વિરુદ્ધ કાસ્દીઓની ટોળી, અરામીઓ, મોઆબીઓ તથા આમ્મોનીઓને રવાના કર્યાં; તેમણે યહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે તેઓને મોકલ્યા.
૩ મનાશ્શાએ તેનાં કૃત્યોથી જે પાપો કર્યાં હતાં તેને લીધે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કરવા યહોવાહની આજ્ઞાથી જ યહૂદિયા પર દુઃખ આવી પડ્યું હતું. ૪ અને નિર્દોષ રક્ત વહેવડાવ્યાના લીધે, તે નિર્દોષ લોહીથી તેણે યરુશાલેમને ભરી દીધું હતું, માટે યહોવાહ તેને ક્ષમા કરવા ઇચ્છતા ન હતા.
૫ યહોયાકીમનાં બાકીનાં કાર્યો, તેણે જે કર્યું તે સર્વ, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? ૬ યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેની જગ્યાએ તેનો દીકરો યહોયાખીન રાજા બન્યો.
૭ મિસરનો રાજા ત્યાર પછી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહિ, કારણ બાબિલના રાજાએ મિસરના ઝરાથી ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાના કબજામાં હતું તે જીતી લીધું હતું.
૮ યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના રાજ કર્યુ. તેની માતાનું નામ નહુશ્તા હતું; તે યરુશાલેમના એલ્નાથાનની દીકરી હતી. ૯ તેના પિતાએ કરેલાં બધાં કાર્યો પ્રમાણે તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
૧૦ તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરી તેને ઘેરી લીધું. ૧૧ જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો. ૧૨ યહૂદિયાનો રાજા યહોયાખીન, તેની માતા, તેના ચાકરો, તેના રાજકુમારો તથા કારભારીઓ બાબિલના રાજાને મળવા બહાર આવ્યા. બાબિલના રાજાએ પોતાના શાસનનાં આઠમા વર્ષે તેને પકડ્યો.
૧૩ યહોવાહે કહ્યું હતું તે પ્રમાણે, યહોવાહના સભાસ્થાનની તેમ જ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાહના ઘરમાં ઇઝરાયલના રાજા સુલેમાને બનાવેલા સોનાનાં બધાં વાસણોને કાપીને ટુકડાં કર્યાં. ૧૪ તે બધા યરુશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, દસ હજાર કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહિ.
૧૫ નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબિલ લઈ ગયો. તેમ જ તેની માતા, પત્ની, કારભારીઓ તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે તેમને યરુશાલેમથી બાબિલ લઈ ગયો. ૧૬ બધા પરાક્રમી માણસો એટલે સાત હજાર માણસો, એક હજાર કારીગરો તથા લુહારો, જે બધા પરાક્રમી તથા યુદ્ધને માટે યોગ્ય હતા તે બધાને બાબિલનો રાજા કેદ કરીને બાબિલ લઈ ગયો. ૧૭ બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની જગ્યાએ રાજા બનાવ્યો, તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.
૧૮ સિદકિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે એકવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમુટાલ હતું, તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી. ૧૯ યહોયાકીમે જેમ કર્યું હતું તેમ સિદકિયાએ યહોવાહની દ્રષ્ટિમાં જે બધું ખોટું હતું તે કર્યું. ૨૦ યરુશાલેમ અને યહૂદિયામાં આ બધું જે થયું તે યહોવાહના કોપને લીધે થયું, તેથી તેમણે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.