૧૧૫
૧ હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ,
કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે,
તમારું નામ મહિમાવાન મનાઓ,
૨ પ્રજાઓ શા માટે કહે છે,
“તેઓના ઈશ્વર ક્યાં છે?”
૩ અમારા ઈશ્વર સ્વર્ગમાં છે;
જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
૪ તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે,
તેઓ માણસોના હાથનું કામ છે.
૫ તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી;
તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
૬ તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી;
તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
૭ તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી;
તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી;
વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
૮ તેઓના બનાવનારા અને
તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
૯ હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ;
તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૦ હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો;
તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૧ હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો;
તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
૧૨ યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે;
તે ઇઝરાયલના પરિવારને
અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
૧૩ જે યહોવાહને માન આપે છે,
તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
૧૪ યહોવાહ તમારી તેમ જ તમારા
વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
૧૫ તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા,
યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
૧૬ આકાશો યહોવાહનાં છે;
પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
૧૭ મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા
તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
૧૮ પણ અમે આજથી તે સર્વકાળ સુધી
યહોવાહની સ્તુતિ કરીશું.
યહોવાહની સ્તુતિ થાઓ.