૧૧૪
૧ જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું,
એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
૨ ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન,
અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
૩ સમુદ્ર તે જોઈને નાસી ગયો;
યર્દન પાછી હઠી.
૪ પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
૫ અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો?
યર્દન નદી, તું કેમ પાછી હઠી?
૬ અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
૭ હે પૃથ્વી, પ્રભુની સમક્ષ,
યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
૮ તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું,
મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.