૧૧૧
૧ યહોવાહની સ્તુતિ કરો.
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
૨ યહોવાહનાં કાર્યો મહાન છે,
જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
૩ તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે
અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
૪ તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે;
યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.
૫ તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે.
તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.
૬ વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને
પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.
૭ તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.
૮ તેઓ સદા સ્થિર રખાયેલી છે,
અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.
૯ તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે;
પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે;
તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.
૧૦ યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.
જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.
તેમની સ્તુતિ સર્વકાળ થશે.