૯૯
૧ યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો.
તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
૨ યહોવાહ સિયોનમાં મહાન છે;
તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
૩ તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
 
૪ રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે.
તમે ન્યાયને સ્થાપન કરો છો;
તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
૫ આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ
અને તેમના પાયાસન પાસે ભજન કરો.
તે પવિત્ર છે.
 
૬ તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને
અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ
યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.
૭ તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી.
તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ
અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.
૮ હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો.
જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી,
તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.
૯ આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો
અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો,
કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.