૬૪
૧ હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો;
શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
૨ દુષ્ટોનાં કાવતરાંથી,
અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
૩ તેઓએ તરવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે;
તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
૪ કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે;
અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
૫ તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે;
તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે;
તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
૬ તેઓ પાપમય યોજનાઓ શોધે છે;
તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.”
માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.
૭ પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે;
તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
૮ એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે;
જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
૯ દરેક લોકો બીશે
અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે.
તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
૧૦ ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે;
હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.