૬૩
૧ હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ;
જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં
મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
૨ તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે
મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
૩ કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે,
મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
૪ હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ;
હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
૫ હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું;
અને રાતના સમયે હું તમારું મનન કરું છું
૬ મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે
અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
૭ કેમ કે તમે મારા સહાયકારી થયા છો
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
૮ મારો આત્મા તમને વળગી રહે છે;
તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
૯ પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે,
તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
૧૦ તેઓ તરવારને સ્વાધીન થશે;
તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
૧૧ પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે,
જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે,
પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.