૬૧
૧ હે ઈશ્વર, મારો પોકાર સાંભળો;
મારી પ્રાર્થના પર ધ્યાન આપો.
૨ જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ;
જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો.
૩ કેમ કે તમે મારા આશ્રય છો,
મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
૪ હું સદાકાળ તમારા મંડપમાં રહીશ;
તમારી પાંખોના આશ્રયે હું રહીશ.
સેલાહ
૫ કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે;
જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
૬ તમે રાજાનું આયુષ્ય વધારશો;
તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.
૭ તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે;
તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.
૮ હું નિરંતર તમારા નામની સ્તુતિ ગાઈશ
કે જેથી હું દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી કરું.