૩૫
૧ હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો;
મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
૨ નાની તથા મોટી ઢાલ સજીને
મારી સહાયને માટે ઊભા થાઓ.
૩ જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો;
મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”
૪ જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ.
જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો.
૫ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય,
તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો.
૬ તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ,
યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
૭ તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે;
વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
૮ તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો.
પોતાના ફાંદામાં તેઓ પોતે જ ફસાઈ પડો.
પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
૯ પણ હું યહોવાહમાં આનંદ કરીશ
અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ.
૧૦ મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે?
જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે
અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
૧૧ જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે;
તેઓ મારા પર આરોપ મૂકે છે.
૧૨ તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે.
જેથી હું અનાથ થઈ જાઉં છું.
૧૩ પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો;
હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો
અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.
૧૪ તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો;
પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
૧૫ પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા;
હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.
૧૬ કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી;
તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો.
૧૭ હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
તેઓના સંહારથી મારા જીવને
તથા સિંહોથી મારા આત્માને બચાવી લો.
૧૮ એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ;
ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.
૧૯ મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ;
જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.
૨૦ કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી,
પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
૨૧ તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે;
તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.”
૨૨ હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો;
હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ.
૨૩ મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ;
હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
૨૪ હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો;
તેઓને મારા પર આનંદ કરવા ન દો.
૨૫ તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.”
તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.”
૨૬ મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો.
મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
૨૭ જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો;
તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે,
તે યહોવાહની સ્તુતિ થાઓ.
૨૮ ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ
અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.