૨૯
૧ હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો;
ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
૨ યહોવાહના નામનું ગૌરવ તેમને આપો;
પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
૩ યહોવાહનો સાદ પાણી પર ગાજે છે;
ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે,
યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
૪ યહોવાહનો અવાજ સમર્થ છે;
યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
૫ યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે;
યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
૬ તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ
લબાનોન તથા સિર્યોનને કુદાવે છે.
૭ યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
૮ યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે;
યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
૯ યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે;
ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે;
પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
૧૦ યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા;
યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
૧૧ યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે;
યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.