૨૪
૧ પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે,
જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
૨ કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે
અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
૩ યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે?
તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
૪ જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;
જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી
અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
૫ તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે
અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
૬ હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે
તેઓની પેઢી આ છે.
સેલાહ
૭ હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો;
હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ,
કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
૮ ગૌરવવાન રાજા તે કોણ છે?
યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
૯ હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો;
હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ,
કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
૧૦ આ ગૌરવવાન રાજા તે કોણ છે?
યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ
ગૌરવવાન રાજા છે.
સેલાહ