૬
૧ હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ
અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
૨ હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું;
હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
૩ મારો જીવ પણ બહુ મૂંઝાયો છે.
પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
૪ હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો.
તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
૫ કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી.
શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
૬ હું નિસાસા નાખીને થાકી ગયો છું.
દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું;
હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
૭ રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે;
મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
૮ ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ;
કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
૯ યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે;
યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
૧૦ મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે.
તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.