૬
૧ હવે જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ તથા અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં કોટ ફરી બાંધ્યો છે અને તેમાં કશું બાકી રહ્યું નથી, (જોકે તે વખત સુધી મેં દરવાજાઓનાં બારણાં બેસાડ્યાં નહોતાં) ૨ સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવ્યું, “આવ, આપણે ઓનોના કોઈ એક ગામના મેદાનમાં મળીએ.” પણ તેઓનો ઇરાદો તો મને નુકસાન પહોંચાડવાનો હતો.
૩ મેં તેઓની પાસે સંદેશવાહકો મોકલીને જણાવ્યું, “હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી આવી શકાય તેમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ પડતું મૂકું?” ૪ તેઓએ મને એનો એ જ સંદેશો ચાર વખત મોકલ્યો. અને દરેક વખતે મેં તેઓને એ જ જવાબ આપ્યો.
૫ પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના ચાકરને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો. ૬ તેમાં એવું લખેલું હતું:
“પ્રજાઓમાં એવી અફવા ચાલે છે અને ગેશેમ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બળવો કરવાનો ઇરાદો કરે છે. તે કારણથી જ તું કોટ ફરીથી બાંધે છે. તું પોતે તેઓનો રાજા થવા ઇચ્છે છે એવી અફવા પણ ચાલે છે.
૭ અને તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નિમ્યા તેઓ કહે કે, 'યહૂદિયામાં રાજા છે!' આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ આપણે ભેગા મળીને વિચારણા કરીએ.”
૮ પછી મેં તેને જવાબ મોકલ્યો, “જે તું જણાવે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી. એ તો તારા પોતાના જ મનની કલ્પના જ છે.” ૯ કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા કે, “અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહિ. પણ હવે ઈશ્વર, મારા હાથ તમે મજબૂત કરો.”
૧૦ મહેટાબેલના દીકરા દલાયાના દીકરા, શમાયાને ઘરે હું ગયો. ત્યારે તે બારણાં બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે આપણા ઈશ્વરના ઘરમાં, ભક્તિસ્થાનની અંદર મળીએ. અને ભક્તિસ્થાનનાં બારણાં બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે.” ૧૧ મેં જવાબ આપ્યો, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ ભક્તિસ્થાનમાં ભરાઈ જાય? હું અંદર નહિ જાઉં.”
૧૨ મને ખાતરી થઈ કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો, પણ તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો. કેમ કે ટોબિયાએ તથા સાન્બાલ્લાટે તેને લાંચ આપીને રાખ્યો હતો. ૧૩ કે હું બી જાઉં અને તેણે જે કહ્યું હતું તે કરીને હું પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે. ૧૪ “હે મારા ઈશ્વર, ટોબિયાનાં તથા સાન્બાલ્લાટનાં આ કૃત્યો તમે યાદ રાખજો. અને નોઆદ્યા પ્રબોધિકા તથા અન્ય પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતાં હતાં, તેઓને પણ યાદ રાખજો.”
૧૫ દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ માસની પચીસમી તારીખે પૂરું થયું. ૧૬ જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આજુબાજુના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તેઓ અતિશય નિરાશ થયા. કેમ કે આ કામ તો અમારા ઈશ્વરની મદદથી જ પૂરું થયું છે, એમ તેઓએ જાણ્યું.
૧૭ તે સમયે યહૂદિયાના અમીરોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમ જ ટોબિયાના પત્રો પણ તેઓના પર આવતા હતા. ૧૮ યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા શખાન્યાનો જમાઈ હતો. તેનો દીકરો યહોહાનાન બેરેખ્યાના દીકરાએ મશુલ્લામની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં. ૧૯ તેઓ મારી આગળ તેનાં સુકૃત્યો વિષે કહી જણાવતાં હતાં અને મારી કહેલી વાતોની તેને જાણ કરતા હતા.
ટોબિયા મને બીવડાવવા માટે પત્રો મોકલતો હતો.