૩
૧ પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી. ૨ તેની પાસે યરીખોના માણસો બાંધકામ કરતા હતા. તેઓની પાસે ઈમ્રીનો દીકરો ઝાક્કૂર બાંધકામ કરતો હતો.
૩ હસ્સેનાના દીકરાઓએ મચ્છીદરવાજો બાંધ્યો. તેઓએ તેના મોભ ગોઠવ્યા અને તેના દરવાજા બેસાડ્યા. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. ૪ તેઓની પાસે હાકકોસનો દીકરો, ઉરિયાનો દીકરો, મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મેશેઝાબએલનો દીકરો બેરેખ્યાનો દીકરો મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો દીકરો સાદોક સમારકામ કરતો હતો. ૫ તેની પછી તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના આગેવાનોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહિ.
૬ જૂના દરવાજાનું સમારકામ પાસેઆનો દીકરો યોયાદા તથા બસોદ્યાનો દીકરો મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના દરવાજા બેસાડ્યા અને મિજાગરાં જડીને ભૂંગળો બેસાડી. ૭ તેઓની પાસે મલાટયા ગિબ્યોની તથા યાદોન મેરોનોથી હતા. ગિબ્યોન તથા મિસ્પાના માણસો મિસ્પા નદીની પેલે પારના સૂબાને આધીન હતા. તેઓ સમારકામ કરતા હતા.
૮ તેઓની પાસે હાર્હયાનો દીકરો ઉઝિયેલ સમારકામ કરતો હતો, તે સોની હતો. તેની પાસે હનાન્યા નામનો એક ગાંધી મરામત કરતો હતો. તેઓએ પહોળા કોટ સુધી યરુશાલેમનો કોટ બાંધ્યો. ૯ તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો. ૧૦ તેની બાજુમાં હરુમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની પાસે હાશાબ્નયાનો દીકરો હાટ્ટુશ મરામત કરતો હતો.
૧૧ હારીમનો દીકરો માલ્કિયા તથા પાહાથ-મોઆબનો દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા. ૧૨ તેઓની બાજુમાં હાલ્લોહેશનો દીકરો શાલ્લુમ, જે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ સમારકામ કરતાં હતાં.
૧૩ હાનૂન તથા ઝાનોઆના રહેવાસીઓ ખીણના દરવાજાનું સમારકામ કરતા હતા. તેઓએ તે કામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા અને તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી. તેઓએ કચરાના દરવાજા સુધી એક હજાર હાથ જેટલી લાંબી દીવાલનું સમારકામ કર્યું હતું.
૧૪ કચરાના દરવાજાનું સમારકામ રેખાબનો દીકરો માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તેનું સમારકામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા. તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી.
૧૫ કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.
૧૬ તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું. ૧૭ તેના પછી લેવીઓ સમારકામ કરતા હતા, એટલે બાનીના દીકરો રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.
૧૮ તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય, જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો. ૧૯ તેના પછી યેશુઆનો દીકરો એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરાવતો હતો.
૨૦ તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો. ૨૧ તેની બાજુમાં હાક્કોસના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના બારણાથી તે એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો.
૨૨ તેની બાજુમાં યરુશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા. ૨૩ તેઓની બાજુમાં બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાનો પુત્ર માઅસેયાનો પુત્ર અઝાર્યા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો. ૨૪ તેના પછી હેનાદાદનો પુત્ર બિન્નુઈ અઝાર્યાના ઘરથી તે કોટના ખાંચા સુધી, બીજા ભાગની મરામત કરતો હતો.
૨૫ ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો. ૨૬ હવે ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહેતા હતા, તેઓ પૂર્વની બાજુ પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાની મરામત કરતા હતા. ૨૭ તેની બાજુમાં તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.
૨૮ અશ્વભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. ૨૯ તેઓના બાજુમાં ઇમ્મેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામેના ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં પૂર્વ ભાગળનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો. ૩૦ તેની બાજુમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં બેરેખ્યાનો પુત્ર મશ્શુલામ તેની ઓરડીના સામે વાળા ભાગની મરામત કરતો હતો.
૩૧ તેની બાજુમાં માલ્કિયા નામનો સોની ભક્તિસ્થાનના સેવકો અને વેપારીઓના ઘરો સુધી, હામ્મિફકાદના દરવાજાની સામે તથા ખૂણા ઉપરની ઓરડીની મરામત કરતો હતો. ૩૨ ખૂણાની બાજુની ઓરડી તથા મેંઢાભાગળની વચ્ચેના ભાગની મરામત સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.