૧૧
યરુશાલેમમાં વિજયપ્રવેશ
૧ તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે. ૨ અને તેઓને કહે છે કે, 'સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. ૩ જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે તરત એને અહીં પાછું લાવવા મોકલશે.'
૪ તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લાં રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા. ૫ જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, 'વછેરાને તમે શું કરવા છોડો છો?' ૬ જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં.
૭ તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં કપડાં બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા. ૮ ઘણાંઓએ પોતાના કપડાં રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. ૯ આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે. ૧૦ આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!'
૧૧ ઈસુ યરુશાલેમમાં જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા.
ઈસુ અંજીરીને શ્રાપ આપે છે
૧૨ બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી.
૧૩ એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી. ૧૪ ઈસુએ તેને કહ્યું કે, 'હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય' અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું.
ઈસુ ભક્તિસ્થાનને શુદ્ધ કરે છે
૧૫ તેઓ યરુશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. ૧૬ અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ.
૧૭ તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.' ૧૮ મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા. ૧૯ દર સાંજે તેઓ શહેર બહાર જતા.
અંજીરી પરથી મળતો બોધ
૨૦ તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ. ૨૧ પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, 'ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.'
૨૨ ઈસુએ તેઓને કહ્યું કે, 'ઈશ્વર પર વિશ્વાસ રાખો.' ૨૩ કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.
૨૪ એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. ૨૫ જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે. ૨૬ પણ જો તમે માફ નહિ કરો, તો સ્વર્ગમાંનાં તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.
ઈસુના અધિકાર અંગે પ્રશ્ન
૨૭ પછી ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા. ૨૮ તેઓએ ઈસુને પૂછ્યું કે, 'કયા અધિકારથી તું આ કામો કરો છો,' અથવા 'કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?'
૨૯ ઈસુએ તેઓને કહ્યું કે, 'હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ. ૩૦ યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો.'
૩૧ તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, સ્વર્ગથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો? ૩૨ અને જો કહીએ કે, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા. ૩૩ તેઓ ઉત્તર આપ્યો કે, 'અમે જાણતા નથી.' ઈસુ તેઓને કહે છે કે, 'કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.'