૭
૧ મને અફસોસ છે!
કેમ કે ઉનાળાનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ,
એટલે દ્રાક્ષા વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષા જેવી મારી સ્થિતિ છે:
ત્યાં ફળની લૂમ મળશે નહિ,
પાકેલાં અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.
૨ પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી;
તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે
તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.
૩ તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે.
સરદારો પૈસા માગે છે,
ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે,
બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે.
તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.
૪ તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે;
જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે,
તારા ચોકીદારે જણાવેલો એટલે,
તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે.
હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.
૫ કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ,
કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ,
તું જે બોલે તે વિષે સાવધાન રહે
એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.
૬ કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી.
દીકરી પોતાની માની સામી થાય છે,
વહુ પોતાની સાસુની સામી થાય છે;
માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
૭ પણ હું તો યહોવાહ તરફ જોઈશ,
હું મારા ઉધ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ;
મારા ઈશ્વર મારું સાંભળશે.
૮ હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર;
જો હું પડી જાઉં,
તો પણ હું પાછો ઊઠીશ;
જો હું અંધકારમાં બેસું,
તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે.
૯ તેઓ મારી તરફદારી કરશે
અને મને ન્યાય આપશે ત્યાં સુધી,
હું યહોવાહનો ક્રોધ સહન કરીશ,
કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.
તે મને બહાર અજવાળામાં લાવશે,
હું તેમનું ન્યાયીપણું જોઈશ.
૧૦ ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે,
“તારા ઈશ્વર યહોવાહ કયાં છે?”
એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે,
મારી આંખો તેઓને જોશે,
શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.
૧૧ જે દિવસે તારા કોટ બંધાશે,
તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.
૧૨ તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી
મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી,
તથા સમુદ્રથી સમુદ્ર સુધીના,
તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના,
લોકો તે દિવસે તારી પાસે આવશે.
૧૩ તોપણ તેમાં રહેતા લોકોને કારણે,
તેઓનાં કર્મોના ફળને કારણે,
તે દેશો ઉજ્જડ થઈ જશે.
૧૪ તારા વારસાનાં ટોળાં કે,
જેઓ એકાંતમાં રહે છે,
તેઓને તારી લાકડીથી,
કાર્મેલના જંગલમાં ચરાવ.
અગાઉના દિવસોની જેમ,
બાશાનમાં તથા ગિલયાદમાં પણ ચરવા દે.
૧૫ મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ,
હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
૧૬ અન્ય પ્રજાઓ તે જોશે,
પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે.
તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે;
તેઓના કાન બહેરા થઈ જશે.
૧૭ તેઓ સાપની જેમ ધૂળ ચાટશે,
તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક,
પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે.
તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે,
તેઓ તારાથી ડરશે.
૧૮ તમારા જેવા ઈશ્વર કોણ છે?
તમે તો પાપ માફ કરો છો,
તમારા વારસાના બચેલા ભાગના,
અપરાધને દરગુજર કરો છો;
તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી,
કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
૧૯ તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો;
તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો.
તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો.
૨૦ જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ,
તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને
ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.