૨
૧ ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર પ્રભુની પ્રાર્થના કરી. ૨ તેણે કહ્યું,
“મારી વિપત્તિ સંબંધી, મેં ઈશ્વરને વિનંતી કરી,
અને તેમણે મને જવાબ આપ્યો;
શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો!
અને મારો અવાજ સાંભળ્યો.”
૩ “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો,
મારી આસપાસ પાણી હતા;
તેના સર્વ મોજાં અને છોળો,
મારા પર ફરી વળ્યાં.”
૪ અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે;
તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.'
૫ મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં,
આજુબાજુ ઊંડાણ હતું;
મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
૬ હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો;
મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં.
તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
૭ જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું;
અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
૮ જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે
તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
૯ પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ;
જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ.
ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
૧૦ પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.