૧૯
૧ મિસર વિષે ઈશ્વરવાણી.
જુઓ, યહોવાહ વેગવાન વાદળ પર બેસીને મિસરમાં આવે છે;
મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, મિસરીઓનાં હૃદય તેમનામાં જ પીગળી જશે.
૨ “હું મિસરીઓને મિસરીઓની વિરુદ્ધ ઉશ્કેરીશ: દરેક પોતાના ભાઈની વિરુદ્ધ અને દરેક પોતાના પડોશીની વિરુદ્ધ;
નગર નગરની વિરુદ્ધ અને રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડાઈ કરશે.
૩ મિસરની ભાવના અંદરથી નબળી પડી જશે. હું તેમની સલાહનો નાશ કરીશ,
જો કે તેઓ મૂર્તિઓ, મૃતકોના આત્માઓ, ભૂવાઓ અને તાંત્રિકોની પાસે જઈને સલાહ માગે છે.
૪ હું મિસરીઓને નિર્દય માલિકના હાથમાં સોંપી દઈશ અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે
સૈન્યોના પ્રભુ યહોવાહનું આ વચન છે.”
૫ સમુદ્રનાં પાણી સુકાઈ જશે, નદીનાં પાણી સુકાઈ જશે અને નદી ખાલી થઈ જશે.
૬ નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઈને સુકાઈ જશે;
બરુઓ તથા કમળ ચીમળાઈ જશે.
૭ નાઇલને કાંઠે આવેલાં બરુ,
નાઇલ પાસે સર્વ વાવેલાં ખેતરો સુકાઈ જશે, ધૂળ થઈ જશે અને ઊડી જશે.
૮ માછીમારો રડશે અને શોક કરશે, નાઇલમાં ગલ નાખનાર વિલાપ કરશે
તેમ જ પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે.
૯ ગૂંથેલા શણનું કામ કરનારા તથા સફેદ વસ્ત્રના વણનારા નિરાશ થશે.
૧૦ મિસરના વસ્ત્રના કામદારોને કચડી નાખવામાં આવશે; સર્વ મજૂરી કરનારા નિરાશ થશે.
૧૧ સોઆનના રાજકુમારો તદ્દન મૂર્ખ છે. ફારુનના સૌથી જ્ઞાની સલાહકારોની સલાહ અર્થહીન થઈ છે.
તમે ફારુન આગળ કેવી રીતે કહી શકો કે, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીનકાળના રાજાઓનો પુત્ર છું?”
૧૨ તો હવે તારા જ્ઞાની પુરુષો ક્યાં છે?
તેઓ તને ખબર આપે અને સૈન્યોના યહોવાહ તને મિસર વિષે શી યોજના છે તે જણાવે.
૧૩ સોઆનના રાજકુમારો મૂર્ખ થયા છે, નોફના રાજકુમારો છેતરાયા છે; તેઓના કુળોના મુખ્ય માણસોએ મિસરને અન્યમાર્ગે દોર્યું છે.
૧૪ યહોવાહે તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે;
અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.
૧૫ માથું કે પૂછડું, ખજૂરીની ડાળી કે બરુ મિસરને માટે કોઈ કંઈ પણ કરી શકશે નહિ.
૧૬ તે દિવસે, મિસરીઓ સ્ત્રી જેવા થશે. યહોવાહના ઉગામેલા હાથને કારણે તેઓ ભયભીત થઈને થથરવા લાગશે જે હાથ સૈન્યોના યહોવાહે તેમના પર ઉગામ્યો છે. ૧૭ યહૂદિયાનો દેશ મિસરને માટે આશ્ચર્યનું કારણ બનશે. યહોવાહે તેની વિરુદ્ધ કરેલી યોજનાને કારણે, જયારે પણ કોઈ તેમને તેની યાદ અપાવશે, તેઓ ડરી જશે.
૧૮ તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, સૈન્યોના યહોવાહની આગળ સમ ખાનારાં એવાં પાંચ નગર થશે; તેઓમાંનું એક સૂર્ય - નગર કહેવાશે.
૧૯ તે દિવસે મિસર દેશની મધ્યમાં યહોવાહને માટે વેદી થશે અને તેની સરહદ ઉપર યહોવાહને માટે એક સ્તંભ થશે. ૨૦ તે મિસર દેશમાં સૈન્યોના યહોવાહને માટે ચિહ્નરૂપ તથા સાક્ષીરૂપ થશે. જયારે તેઓ જુલમ કરનારાઓને લીધે યહોવાહને પોકારશે, ત્યારે તે તેઓને માટે ઉધ્ધારક તથા તારનાર મોકલશે અને તે તેઓને છોડાવશે.
૨૧ તે દિવસે યહોવાહ મિસરને પોતાને ઓળખાવશે અને મિસર યહોવાહને ઓળખશે. તેઓ બલિદાન તથા અર્પણોથી તેની આરાધના કરશે અને યહોવાહને નામે માનતા લેશે અને તેને પૂરી કરશે. ૨૨ યહોવાહ મિસરને પીડા આપશે, પીડા આપ્યા પછી તેનો ઉપચાર કરશે. તેઓ યહોવાહની તરફ પાછા ફરશે; તે તેમની પ્રાર્થના સાંભળશે અને તેમને સાજા કરશે.
૨૩ તે દિવસે મિસરથી આશૂર સુધી સડક થશે, અને આશૂરીઓ મિસરમાં આવશે, તથા મિસરીઓ આશૂરમાં જશે; અને મિસરીઓ આશૂરીઓ સાથે આરાધના કરશે.
૨૪ તે દિવસે, મિસર તથા આશૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે; ૨૫ સૈન્યોના યહોવાહ તેમને આશીર્વાદ આપશે અને કહેશે, “મારા લોક મિસર; મારા હાથની કૃતિ આશૂર અને મારું પોતાનું વતન ઇઝરાયલ આશીર્વાદિત થાઓ.”