૧૪
૧ હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ,
કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.
૨ તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ.
તેમને કહો, “અમારાં પાપો દૂર કરો,
કૃપાથી અમારો સ્વીકાર કરો,
જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ.
૩ આશૂર અમને બચાવી શકશે નહિ;
અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ.
હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ,
'કે તમે અમારા દેવો છો,'
કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”
૪ “તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ.
હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ,
કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
૫ હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ;
તે કમળની જેમ ખીલશે,
લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
૬ તેની ડાળીઓ ફેલાઇ જશે,
તેનો દેખાવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે,
અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.
૭ તેના છાયામાં રહેનારા લોકો પાછા ફરશે;
તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે,
દ્રાક્ષાવેલાની જેમ ખીલશે;
તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
૮ એફ્રાઇમ કહેશે, 'મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ?
હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો.
હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું;
મારી પાસેથી જ તને ફળ મળે છે.”
૯ કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે?
કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય?
કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે,
ન્યાયી માણસ તેના ઉપર ચાલશે,
પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.