૨
૧ સાતમા માસના એકવીસમા દિવસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું એવું વચન આવ્યું કે, ૨ હવે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને તથા બાકી રહેલા લોકોને કહે કે,
૩ ' શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે?
હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો?
શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?
૪ હવે, યહોવાહ કહે છે, હે ઝરુબ્બાબેલ, બળવાન થા'
યહોસાદાકના દીકરા હે યહોશુઆ, પ્રમુખ યાજક, 'બળવાન થા;'
યહોવાહ કહે છે, હે દેશના સર્વ લોકો!' તમે બળવાન થાઓ-
'અને કામ કરો કેમ કે હું તમારી સાથે છું,' આ સૈન્યોના યહોવાહ કહે છે.
૫ જ્યારે તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તમારી સાથે કરાર કરીને જે વચનો સ્થાપ્યાં તે પ્રમાણે,
મારો આત્મા તમારી મધ્યે છે. તમે બીશો નહિ.'
૬ કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે, 'થોડી જ વારમાં
હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું.
૭ અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતીવસ્તુ મારી પાસે લાવશે,
અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે.
૮ સૈન્યોના યહોવાહ એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે.
૯ 'સૈન્યોના યહોવાહ કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે,
'અને આ જગ્યામાં હું સલાહ શાંતિ આપીશ. એવું સૈન્યોના યહોવાહ કહે છે.”
૧૦ દાર્યાવેશના બીજા વર્ષના નવમા માસના ચોવીસમાં દિવસે હાગ્ગાય પ્રબોધક મારફતે યહોવાહનું વચન આવ્યું કે, ૧૧ 'યાજકોને પૂછ કે નિયમશાસ્ત્ર પ્રમાણે, ૧૨ જો તમારામાંનો કોઈ પોતાના પહેરેલા વસ્ત્રમાં બાંધીને પવિત્ર માંસ લઈ જતો હોય અને જો તે રોટલી, ભાજી, દ્રાક્ષારસ, તેલ કે બીજા કોઈ ખોરાકને અડકે તો શું તે પવિત્ર થાય?”” યાજકોએ જવાબ આપ્યો કે, “ના.”
૧૩ ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઈ માણસ શબને અડકવાથી અશુદ્ધ થયો હોય અને આ વસ્તુઓને અડે તો શું તે અશુદ્ધ ગણાય?” ત્યારે યાજકોએ જવાબ આપ્યો કે, “હા, તેઓ અશુદ્ધ ગણાય.” ૧૪ હાગ્ગાયે કહ્યું, “યહોવાહ કહે છે કે “' મારી આગળ આ લોકો અને આ પ્રજા એવા જ છે.' તેઓના હાથનાં કામો એવાં જ છે તેઓ જે કંઈ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.
૧૫ હવે, કૃપા કરીને આજથી માંડીને વીતેલા વખતનો, એટલે યહોવાહના સભાસ્થાનના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો તે અગાઉના વખતનો વિચાર કરો, ૧૬ જ્યારે કોઈ વીસ માપ અનાજ ઢગલા પાસે આવતો, ત્યાં તેને માત્ર દશ જ માપ મળતાં, જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે પચાસ માપ કાઢવા આવતો ત્યારે ત્યાંથી તેને માત્ર વીસ જ મળતાં. ૧૭ યહોવાહ એવું કહે છે કે તમારા હાથોનાં બધાં કાર્યોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી દુઃખી કર્યા, પણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.'
૧૮ 'આજથી અગાઉના દિવસોનો વિચાર કરો, નવમા માસના ચોવીસમાં દિવસે, એટલે કે જે દિવસે યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો. તેનો વિચાર કરો. ૧૯ શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.'”
૨૦ તે જ માસના ચોવીસમાં દિવસે, ફરીવાર યહોવાહનું વચન હાગ્ગાય પ્રબોધકની પાસે આવ્યું અને કહ્યું, ૨૧ યહૂદિયાના સૂબા ઝરુબ્બાબેલને કહે કે,
'હું આકાશોને તથા પૃથ્વીને હલાવીશ.
૨૨ કેમ કે હું રાજ્યાસનો ઉથલાવી નાખીશ અને હું પ્રજાઓનાં રાજ્યોની શક્તિનો નાશ કરીશ.
હું તેઓના રથોને તથા તેમાં સવારી કરનારાઓને ઉથલાવી નાખીશ. તેઓના ઘોડાઓ તથા સવારો દરેક પોતાના ભાઈની તલવારથી નીચે ઢળી પડશે.
૨૩ તે દિવસે' સૈન્યોના યહોવાહ એવું કહે છે' મારા સેવક, શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલ હું તને લઈ લઈશ.
'હું તને મારી મુદ્રારૂપ બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે.'
'એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે!”