૩૨
૧ યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા. ૨ જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, “આ તો ઈશ્વરની છાવણી છે,” તેથી તેણે તે જગ્યાનું નામ 'માહનાઇમ' પાડ્યું.
૩ યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા. ૪ તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: 'આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો. ૫ મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે.”
૬ એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે. ૭ તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી. ૮ તેણે કહ્યું, “જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે.
૯ યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, 'તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,' ૧૦ તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.
૧૧ કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે. ૧૨ પણ તમે તો કહેલું છે કે, 'નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.'”
૧૩ યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું. ૧૪ એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં, ૧૫ ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં. ૧૬ એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.
૧૭ તેણે પહેલાને આજ્ઞા આપી, “મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, 'તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?' ૧૮ ત્યારે તું કહેજે, 'તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.'”
૧૯ યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, “જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો. ૨૦ તમે એમ પણ કહેજો, 'તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.''' કેમ કે તેણે વિચાર્યું, “જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે.” ૨૧ તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.
૨૨ યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા. ૨૩ આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.
૨૪ યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું. ૨૫ જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો. ૨૬ તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.”
૨૭ તે માણસે તેને પૂછ્યું, “તારું નામ શું છે?” યાકૂબે કહ્યું, “યાકૂબ.” ૨૮ તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.”
૨૯ યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો. ૩૦ યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે.”
૩૧ યાકૂબ પનીએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો. ૩૨ તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.