૩૦
૧ જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, “મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ.” ૨ યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?”
૩ તેણે કહ્યું, “તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું.” ૪ તેણે પત્ની તરીકે તેની દાસી બિલ્હા યાકૂબને આપી અને યાકૂબે તેની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખ્યો.
૫ બિલ્હા ગર્ભવતી થઈ. તેણે યાકૂબના દીકરાને જન્મ આપ્યો. ૬ પછી રાહેલે કહ્યું, “ઈશ્વરે મારું સાંભળ્યું છે. તેમણે નિશ્ચે મારી વિનંતી સાંભળીને મને દીકરો આપ્યો છે.” તે માટે તેણે તેનું નામ 'દાન' પાડ્યું.
૭ રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો. ૮ રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું.” તેણે તેનું નામ 'નફતાલી' પાડ્યું.
૯ જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી. ૧૦ લેઆની દાસી ઝિલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો. ૧૧ લેઆએ કહ્યું, “આના પર ઈશ્વરની દયા છે!” તેથી તેણે તેનું નામ 'ગાદ' પાડ્યું.
૧૨ પછી લેઆની દાસી ઝિલ્પાને યાકૂબથી બીજો દીકરો જન્મ્યો. ૧૩ લેઆએ કહ્યું, “હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે.” તેથી તેણે તેનું નામ 'આશેર' એટલે આશિષીત પાડ્યું.
૧૪ રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, “તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ.” ૧૫ લેઆએ તેને કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, એ શું ઓછું છે? તો હવે મારા દીકરાનાં રીંગણાં પણ તારે લેવાં છે?” રાહેલે કહ્યું, “તારા દીકરાનાં રીંગણાં બદલે આજ રાત્રે યાકૂબ તારી સાથે સહશયન કરશે.”
૧૬ સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો. લેઆ તેને મળવાને બહાર ગઈ અને કહ્યું, “આજે રાત્રે તારે મારી સાથે સહશયન કરવાનું છે. કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં આ શરત કરી છે.” માટે તે રાત્રે યાકૂબ તેની સાથે સૂઈ ગયો. ૧૭ ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો. ૧૮ લેઆએ કહ્યું, “ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી હતી.” તેણે તેનું નામ 'ઇસ્સાખાર' પાડ્યું.
૧૯ લેઆ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના છઠ્ઠા દીકરાને જન્મ આપ્યો. ૨૦ લેઆએ કહ્યું, “ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. “માટે તેણે તેનું નામ ઝબુલોન પાડ્યું. ૨૧ ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો અને તેણીએ તેનું નામ દીના પાડ્યું.
૨૨ ઈશ્વરે રાહેલને યાદ કરીને તેની પ્રાર્થના સાંભળી. તેને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. ૨૩ તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “ઈશ્વરે મારી શરમ દૂર કરી છે” ૨૪ તેણે તેનું નામ 'યૂસફ' પાડીને કહ્યું, “ઈશ્વર એક બીજો દીકરો પણ મને આપો.”
૨૫ રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર, કે જેથી હું મારો દેશ, એટલે મારા પોતાના ઘરે જાઉં. ૨૬ મારી પત્નીઓ તથા મારાં બાળકો જેઓને સારુ મેં તારી સેવા ચાકરી કરી છે, તે મને આપ. મને જવા દે, કેમ કે મેં તારી જે ચાકરી કરી છે, તે તું જાણે છે.”
૨૭ લાબાને તેને કહ્યું, “જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે.” ૨૮ પછી તેણે કહ્યું, “તારી ઇચ્છા અનુસાર તું જેટલું માંગીશ તેટલું હું તને આપીશ.”
૨૯ યાકૂબે તેને કહ્યું, “તું જાણે છે કે મેં તારી કેવી ચાકરી કરી છે અને તારાં જાનવરોમાં કેટલો બધો વધારો થયો છે. ૩૦ હું અહીં આવ્યો તે પહેલાં તારી પાસે થોડું હતું અને હવે તે ઘણું વધી ગયું છે. જ્યાં મેં કામ કર્યું છે ત્યાં ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે. હવે મારા પોતાના ઘર કુટુંબ માટે પણ મારે ઘણું કરવાનું છે. તે હું ક્યારે પૂરું કરીશ?”
૩૧ લાબાને કહ્યું, “તને હું શું વેતન આપું?” યાકૂબે કહ્યું, “તું મને કશું જ ન આપીશ. જો તું મારા માટે આટલું કરે તો હું ફરી તારાં ઘેટાંબકરાંને ચારીશ અને તેમને સંભાળીશ. ૩૨ આજે મને તારાં બધાં ઘેટાંબકરાંના ટોળાંમાં જવા દે કે તેમાંથી છાંટવાળાં, ટપકાંવાળાં તથા કાળાં ઘેટાંને અને ટપકાંવાળાં તથા છાંટવાળાં બકરાંને હું અલગ કરું. મારા વેતન તરીકે તું તે મને આપ.
૩૩ જયારે મારા વેતન તરીકે આપેલાં ઘેટાંબકરાં તું તપાસશે ત્યારે પાછળથી મારી પ્રમાણિકતા માટે તેઓ સાક્ષીરૂપ થશે કે બકરાંમાં જે છાંટવાળા કે ટપકાંવાળા નથી અને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે મળે તો તે સર્વ ચોરીનાં ગણાશે.” ૩૪ લાબાને કહ્યું, “તારી માંગણી પ્રમાણે હું સંમત છું.”
૩૫ તે દિવસે લાબાને પટ્ટાવાળાં તથા ટપકાંવાળાં બકરાં અને છાંટવાળી તથા સફેદ ટપકાંવાળી બધી બકરીઓને અને ઘેટાંઓમાંથી પણ જે કાળાં હતા તેઓને અલગ કર્યા અને એ ઘેટાંબકરાં યાકૂબના દીકરાઓને સુપ્રત કર્યાં. ૩૬ અને ત્રણ દિવસનો પ્રવાસ થાય એટલા અંતર દૂર તેઓને લઈ જવા જણાવ્યું. યાકૂબે લાબાનનાં બાકી રહેલા ઘેટાંબકરાંને ત્યાં જ રહીને સાચવ્યાં.
૩૭ યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ઝાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય. ૩૮ પછી તેણે જાનવરો પાણી પીવા આવે ત્યાં ખાડામાં જે ડાળીઓ છોલી હતી તે તેઓની આગળ ઊભી કરી. જયારે તેઓ પાણી પીતા ત્યારે તેઓ ગર્ભ ધારણ કરવા માટે આશક્ત થતાં હતા.
૩૯ ડાળીઓ આગળ ઘેટાંબકરાં ગર્ભધારણ કરતાં હતાં પછી તેઓએ પટ્ટાદાર, છાંટવાળાં તથા ટપકાંવાળાં બચ્ચાંઓને જન્મ આપ્યો. ૪૦ યાકૂબે ઘેટીને અલગ કરી અને લાબાનનાં જાનવરોમાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ તેઓના મોં રાખ્યાં. પછી તેણે પોતાના ટોળાંને જુદાં પાડ્યાં અને લાબાનનાં ટોળાંની પાસે તેમને રાખ્યાં નહિ.
૪૧ જયારે ટોળાંમાંના સશક્ત પ્રાણી સંવનન કરતાં ત્યારે યાકૂબ તે ડાળીઓ ટોળાંની નજરો આગળ ખાડામાં મૂકતો હતો. ૪૨ પણ ટોળાંમાંના નબળા પશુ આવતાં ત્યારે તે તેઓની આગળ ડાળીઓ મૂકતો નહોતો. તેથી નબળા ઘેટાંબકરાં લાબાનનાં અને સશક્ત યાકૂબનાં થયાં.
૪૩ પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.