The Epistle of Paul to the
Ephesians
એફેસીઓને પાઉલ પ્રેરિતનો પત્ર
૧
એફેસીઓની મંડળીને પાઉલનો પત્ર
૧ એફેસેસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ લખે છે: ૨ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત હો.
ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદો
૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે; ૪ એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.
૫ તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના [ઈશ્વરના] પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા ૬ કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.
૭ ઈસુ ખ્રિસ્તનાં રક્તદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. ૮ સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.
૯ તેમણે ઈસુ ખ્રિસ્તમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો, ૧૦ કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં;
૧૧ જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા; ૧૨ જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.
૧૩ તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા; ૧૪ ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.
પાઉલની પ્રાર્થના
૧૫ એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને, ૧૬ તમારે સારુ આભાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને માગુ છું કે,
૧૭ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના જ્ઞાનને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે; ૧૮ અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે,
૧૯ અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો. ૨૦ ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા, ૨૧ અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.
૨૨ અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા; ૨૩ વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.