Ruth
રૂત
૧ ન્યાયાધીશો ન્યાય કરતા હતા, તે દિવસોમાં દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ યહૂદિયાના એક માણસ પોતાની પત્ની તથા બે દીકરાઓ સહિત મોઆબ દેશમાં જઈને ત્યાં વસવાટ કર્યો. ૨ તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે દીકરાઓનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથીઓ હતાં. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં વસ્યા હતા.
૩ વખત જતા નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો. તેથી નાઓમી તથા તેના બે દીકરા નિરાધાર બન્યા. ૪ તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં, તે દરમિયાન માહલોન તથા કિલ્યોને મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આ સ્ત્રીઓના નામ અનુક્રમે ઓરપા અને રૂથ હતાં. ૫ પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.
૬ અહીં મોઆબમાં નાઓમીના સાંભળવામાં આવ્યું હતું કે ઈશ્વરે યહૂદિયામાં પોતાના લોકોને સહાય કરી છે અને તેઓને અન્ન આપ્યું છે. તેથી તેણીએ પોતાની પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને સ્વદેશ યહૂદિયા પાછા જવાનો નિર્ણય કર્યો. ૭ જ્યાં તે રહેતી હતી ત્યાંથી પોતાના દેશ યહૂદિયામાં પાછા જવાના રસ્તે તેણે પોતાની બે પુત્રવધૂઓ સાથે મુસાફરી શરુ કરી.
૮ માર્ગમાં નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને કહ્યું કે, “દીકરીઓ, તમે બન્ને તમારા પિયરમાં પાછાં જાઓ. જેમ તમે મૃત્યુ પામેલા તમારા પતિઓ પર મમતા રાખી હતી તેમ ઈશ્વર તમારા પર કરુણા રાખો. ૯ ઈશ્વર એવું કરે કે તમે પુન:લગ્ન કરો અને તમારા પતિના ઘરમાં નિરાંતે રહો.” પછી નાઓમીએ તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી. ૧૦ અને તેઓએ તેને કહ્યું, “એવું નહિ, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે આવીશું.”
૧૧ ત્યારે નાઓમીએ કહ્યું, “મારી દીકરીઓ પાછી વળો; તમારે મારી સાથે શા માટે આવવું જોઈએ? શું હજી મને દીકરાઓ થવાના છે કે તેઓ તમારા પતિ થઈ શકે? ૧૨ મારી દીકરીઓ, પાછી વળો, તમારા રસ્તે ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હું પુન:લગ્ન કરી શકું તેમ નથી. વળી જો હું કહું કે, મને આશા છે કે આજ રાત્રે મને પતિ મળે અને હું દીકરાઓના ગર્ભ ધારણ કરું, ૧૩ તેથી તમે શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની હોય? શું તમે અત્યારે ફરીથી પુરુષો સાથે લગ્ન નહિ કરો? ના, મારી દીકરીઓ! તમને દુઃખ થાય તે કરતા મને વધારે દુઃખ છે કેમ કે ઈશ્વરનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”
૧૪ અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.
૧૫ નાઓમીએ કહ્યું, “રૂથ બેટા સાંભળ, તારી દેરાણી તેના લોકો તથા દેવો પાસે પાછી ગઈ છે. તું પણ તેની સાથે જા.”
૧૬ ત્યારે રૂથે કહ્યું, “તને છોડીને તારી પાસેથી દૂર જવાનું મને ના કહે, કેમ કે જયાં તું જઈશ ત્યાં હું આવીશ અને જ્યાં તું રહેશે ત્યાં હું રહીશ; તારા લોક તે મારા લોક અને તારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે; ૧૭ જ્યાં તું મૃત્યુ પામીશ ત્યાં જ હું મૃત્યુ પામીશ અને ત્યાં જ હું દફનાવાઈશ. મૃત્યુ સિવાય બીજું જો મને તારાથી અળગી કરે, તો ઈશ્વર મને મૃત્યુ કરતાં વધારે દુઃખ આપે.” ૧૮ જયારે નાઓમીને ખાતરી થઈ કે રૂથ સાથે આવવાને કૃતનિશ્ચયી છે ત્યારે તેણે તેની સાથે વિવાદ કરવાનું બંધ કર્યું.
૧૯ મુસાફરી કરતાં કરતાં તેઓ બન્ને બેથલેહેમ નગરમાં આવી પહોંચ્યાં જયારે તેઓ અહીં આવ્યાં ત્યારે નગરના સર્વ લોકો તેઓને જોઈને ઉત્સાહિત થયા. ત્યાંની સ્ત્રીઓએ કહ્યું, “શું આ નાઓમી છે?” ૨૦ ત્યારે તેણે તેઓને કહ્યું “મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારી ખૂબ કસોટી કરી છે. ૨૧ હું અહીંથી નીકળી ત્યારે સમૃદ્ધ હતી, પણ ઈશ્વર મને વતનમાં ખાલી હાથે પાછા લાવ્યા છે. ઈશ્વરે મને અપરાધી ઠરાવી છે અને સર્વસમર્થે મને દુઃખી કરી છે, તે જાણ્યાં પછી પણ તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો?”
૨૨ એમ નાઓમી અને તેની પુત્રવધૂ, રૂથ મોઆબણ, મોઆબ દેશથી બેથલેહેમ આવ્યાં, ત્યારે જવની કાપણીની મોસમ શરુ થઈ હતી.