૯૫
૧ આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ;
આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
૨ આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ;
આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
૩ કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે
અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
૪ તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
૫ સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે
અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
૬ આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ;
આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
૭ કારણ કે તે આપણા ઈશ્વર છે
અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ.
આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
૮ “મરીબાહમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો,
અને જેમ અરણ્યમાં માસ્સાને દિવસે,
૯ જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી
અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
૧૦ કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો
અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે;
તેઓ મારા માર્ગો જાણતા નથી.'
૧૧ માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા
કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”