૮૫
૧ હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
૨ તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
૩ તેથી હવે તમારા કોપનો;
ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
૪ હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
૫ શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
૬ શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો?
ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
૭ તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમારો ઉદ્ધાર કરો.
૮ યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું,
કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે.
પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
૯ જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે;
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
૧૦ કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
૧૧ પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
૧૨ હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
૧૩ તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.