૫૬
૧ હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે;
તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
૨ મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે;
કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
૩ જ્યારે મને બીક લાગશે,
ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
૪ હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ,
ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;
મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
૫ તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે;
તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
૬ તેઓ એકઠા થાય છે, તેઓ સંતાઈ રહે છે
અને તેઓ મારાં પગલાંને ધ્યાનમાં રાખે છે,
તેઓ મારો જીવ લેવાની રાહ જુએ છે.
૭ તેઓની દુષ્ટતાથી તેમને બચાવશો નહિ.
હે ઈશ્વર, તમારા ગુસ્સાથી લોકોને નીચે પાડી નાખો.
૮ તમે મારું ભટકવું જાણો છો
અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો;
શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
૯ જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.
૧૦ ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ,
યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.
૧૧ ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી;
માણસ મને શું કરનાર છે?
૧૨ હે ઈશ્વર, મેં તમારી સમક્ષ સંકલ્પો કરેલા છે;
હું તમને આભારસ્તુતિનાં અર્પણ ચઢાવીશ.
૧૩ કારણ કે તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે;
તમે મારા પગને લથડવાથી બચાવ્યા છે,
કે જેથી હું ઈશ્વરની સમક્ષ,
જીવતાઓના અજવાળામાં ચાલું.