૨૦
૧ સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;
યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
૨ પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો
અને સિયોનમાંથી તને બળ આપો.
૩ તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો
અને તારું દહનાર્પણ માન્ય કરો.
૪ તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો
અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
૫ તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું
અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.
યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
૬ હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;
તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારકશક્તિથી તેને જવાબ આપશે.
૭ કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,
પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
૮ તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
૯ હે યહોવાહ, રાજાને વિજય આપો;
જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.