૧૦
૧ મારો આત્મા આ જીવનથી કંટાળી ગયો છે;
હું મારી ફરિયાદો વિષે મુક્ત રીતે વિલાપ કરીશ;
મારા જીવની વેદનાએ હું બોલીશ.
૨ હું ઈશ્વરને કહીશ કે, 'મને દોષિત ન ઠરાવો;
તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો.
૩ જુલમ કરવો,
તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું
અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે?
૪ શું તમને ચર્મચક્ષુ છે,
અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
૫ શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે,
તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,
૬ તમે મારા અન્યાયની તપાસ કરો છો,
અને મારાં પાપ શોધો છો.
૭ તમે જાણો છો કે હું દોષિત નથી,
અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.
૮ તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે,
છતાં તમે મારો વિનાશ કરો છો.
૯ કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે;
શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?
૧૦ શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી?
અને મને પનીરની જેમ જમાવ્યો નથી?
૧૧ તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે.
તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે.
૧૨ તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે.
અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે.
૧૩ છતાં આ બાબત તમે તમારા હૃદયમાં ગુપ્ત રાખી છે.
હું જાણું છું કે એ તમારો આશય છે.
૧૪ જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો;
તમે મારા અન્યાય વિષે મને નિર્દોષ ઠરાવશો નહિ.
૧૫ જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ!
જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ,
કેમ કે મને અતિશય શરમ લાગે છે.
અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.
૧૬ જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો
અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો.
૧૭ તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો,
અને મારા ઉપર તમારો રોષ વધારો છો;
તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો.
૧૮ તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા?
ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત.
૧૯ હું હતો ન હતો થઈ ગયો હોત;
ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત.
૨૦ શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો,
અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું
૨૧ કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં,
એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે,
૨૨ એટલે ઘોર અંધકારનાં દેશમાં,
જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે,
તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.'''