૪૬
૧ પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે. ૨ મિસર વિષે; ''મિસરના રાજા ફારુનનું સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું. જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તે પ્રસંગ વિષેની વાત.
૩ તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો.
૪ ઘોડાઓ પર જીન બાંધો અને હે સવારો તમે તેના પર સવાર થાઓ તમે ટોપ પહેરીને સજ્જ થાઓ.
ભાલાઓની ધાર તીક્ષ્ણ કરો અને બખતર ધારણ કરો.
૫ પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે.
તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.'' એમ યહોવાહ કહે છે.
૬ જે વેગવાન તે નાસી ન જાય. જે શૂરવીર તે બચી શકે નહિ, તેઓ ઉત્તર તરફ ફ્રાત નદી પાસે ઠોકર ખાઈને પડ્યા છે.
૭ નીલ નદીઓના પૂરની જેમ જે ચઢી આવે છે જેનાં પાણી નદીઓના પૂરની જેમ ઊછળે છે તે કોણ છે?
૮ મિસર નીલની જેમ ચઢી આવે છે, તેનાં પાણી નદીઓનાં પૂરની જેમ ઊછળે છે.
તે કહે છે, હું ચઢી આવીશ; અને આખી પૃથ્વીને ઢાકી દઈશ, હું નગરોને અને તેના રહેવાસીઓને નષ્ટ કરીશ.'
૯ હે ઘોડાઓ તમે દોડી આવો, હે રથો તમે ધૂમ મચાવો, અને શૂરવીરો આગળ આવો''
ઢાલ ધારણ કરેલા હબશીઓ અને પૂટીઓ તથા ધનુર્ધારી લૂદીઓ બહાર આવો.
૧૦ સૈન્યોના પ્રભુ યહોવાહનો વેર લેવાનો દિવસ છે અને તે પોતાના દુશ્મનો ઉપર વેર વાળશે.
આજે તેમની તરવાર ધરાઈને તેમને ખાઈ જશે અને તૃપ્ત થતાં સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાહને ઉત્તરદેશમાં ફ્રાત નદીને કિનારે બલિદાનો આપવામાં આવે છે.
૧૧ હે મિસરની કુમારિકા, ગિલ્યાદ જા અને શેરીલોબાન લે. તું ઘણાં ઔષધનો ઉપચાર કરશે પણ તું સ્વસ્થ થશે નહિ.
૧૨ સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સંભળાઈ છે. તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે;
કેમ કે શૂરવીર શૂરવીરની સાથે અથડાય છે અને બન્ને સાથે પડ્યા છે.''
૧૩ મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સાર ના આવવા વિષે, જે વચન યહોવાહે યર્મિયા પ્રબોધકને કહ્યું તે;
૧૪ ''મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં
તેમ જ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, હોશિયાર, તૈયાર તમારી આસપાસ તરવારે વિનાશ કર્યો છે.
૧૫ શા માટે તારા બહાદુર યોદ્ધા નાસી ગયા છે? તેઓ સામનો ન કરી શક્યા, કેમ કે યહોવાહે તેઓને તેઓના શત્રુઓની સામે નીચા પાડી નાખ્યા.
૧૬ તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે,
''ચાલો; ઊઠો આ જુલમગારની તરવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી જન્મભૂમિમાં પાછા ઘરે જઈએ.''
૧૭ ત્યાં તેઓએ પોકારીને કહ્યું કે, ''મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે તેણે આવેલી તક ગુમાવી છે.''
૧૮ જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે, તે કહે છે, ''મારા જીવના સમ'' તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે નિશ્ચે આવશે.
૧૯ હે મિસરમાં રહેનારી દીકરીઓ, તમારો સામાન બાંધો અને બંદીવાસમાં જવાને તૈયાર થાઓ.
કેમ કે નોફ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિહીન તથા ઉજ્જડ થશે.
૨૦ મિસર સુંદર યુવાન વાછરડી છે. પણ ઉત્તરમાંથી એક વિનાશ આવે છે. તે આવી રહ્યો છે.
૨૧ તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે.
કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.
૨૨ નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે. કેમ કે તેઓ સૈન્ય લઈને કૂચ કરશે.
તેઓ લાકડાં ફાડનારા લોકોની જેમ કુહાડા લઈ તેના પર આવી પડશે.
૨૩ યહોવાહ કહે છે કે તે જંગલોને કાપી નાખશે'' ''જો કે તે ખૂબ ગીચ છે.
તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ અગણિત છે.
૨૪ મિસરની દીકરીનું અપમાન થશે. તેને ઉત્તરના લોકના હાથમાં સોંપવામાં આવશે.
૨૫ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ''જુઓ, હવે હું નો શહેરના આમોનને, ફારુનને, મિસરને, તેના દેવોને તથા તેના રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓ સર્વને સજા કરીશ. ૨૬ હું તેઓને તેઓનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.'' એમ યહોવાહ કહે છે.
૨૭ ''હે મારા સેવક યાકૂબ, બીશ નહિ. હે ઇઝરાયલ તું ગભરાઈશ નહિ. કેમ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઈ તમને ડરાવશે નહિ. ૨૮ યહોવાહ કહે છે કે, ''હે યાકૂબ, મારા સેવક, ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું. જે દેશોમાં મેં તમને વિખેરી નાખ્યા છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ. નિશ્ચે હું તને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી."”'