૩૪
૧ જયારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય તેના તાબાનાં આ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો તથા સર્વ લોકો યરુશાલેમ સામે તથા તેનાં સર્વ નગરો સાથે યુદ્ધ કરતાં હતાં, ત્યારે યહોવાહનું જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ; ૨ “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, યહોવાહ કહે છે કે; હું આ નગર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને આગ લગાડીને બાળી મૂકશે. ૩ તું તેના હાથમાંથી છૂટી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઈ જવાશે તથા તને તેના હાથમાં સોંપાશે. અને તારી અને બાબિલના રાજાની આંખેઆંખ મળશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. અને તું બાબિલમાં જશે.'
૪ તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા તું યહોવાહનું વચન સાંભળ હું યહોવાહ તારા વિષે કહું છું કે, તું તરવારથી મૃત્યુ પામીશ નહિ. ૫ પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અફસોસ ઓ અમારા પ્રભુ!” આ યહોવાહનું વચન છે.”'
૬ તેથી યર્મિયા પ્રબોધકે યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન કહી સંભળાવ્યાં. ૭ તે સમયે બાબિલનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં.
૮ યહૂદિયાના રાજા સિદકિયાએ યરુશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યમિર્યાની પાસે યહોવાહનું જે વચન આવ્યું તે આ છે. ૯ દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના હિબ્રૂ ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ.
૧૦ બધા જ અમલદારો અને લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે, દરેક પોતાના દાસ અને દાસીને મુકત કરે તથા તેઓને હવે ગુલામ તરીકે ન રાખવા એ કરારનું પાલન કરી તેઓએ તેઓને મુક્ત કર્યા. ૧૧ પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.
૧૨ તેથી યહોવાહ નું વચન યમિર્યાની પાસે આવ્યું અને કહ્યું; ૧૩ યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જયારે હું તમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે દાસત્વના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો. ત્યારે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે, ૧૪ 'તારા જે હિબ્રૂભાઈને તેં વેચાતો લીધો છે. અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષને અંતે છોડી મૂકવો.' પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.
૧૫ મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી દ્દ્ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે હમણાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો. ૧૬ પરંતુ હવે તમે ફરી ગયા અને મારા નામનું અપમાન કર્યું. અને તમે છોડી મૂકેલાં દાસ દાસીઓને તમે પાછાં બોલાવી લીધાં છે. અને ફરી તમારાં ગુલામ બનાવ્યાં.”
૧૭ તેથી યહોવાહ કહે છે; તમે પોતાના ભાઈઓને અને પડોશીઓને મુકત કર્યા નથી. તેથી યહોવાહ કહે છે કે “હું તમને તરવાર, દુકાળ અને મરકીને હવાલે કરીશ. પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વિખેરી નાખીશ. ૧૮ જેઓએ મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે, જેઓએ વાછરડાને બે ટુકડા કરી તેના બે ભાગો વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો. પણ તેનાં વચનો પાળ્યાં નથી. ૧૯ એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઈને ગયેલી દેશની સર્વ પ્રજાને,
૨૦ હું તેઓને તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓના જીવ શોધનારના હાથમાં સોંપી દઈશ. અને તેઓનાં મૃતદેહ આકાશનાં પક્ષીઓ અને ભૂમિનાં શ્વાપદો ખાશે. ૨૧ યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો સંહાર કરવા માગે છે તેઓના હાથમાં અને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ. ૨૨ યહોવાહ કહે છે; જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે અને તેને જીતી લેશે. અને તેઓ તેને આગ લગાડીને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન તથા ઉજ્જડ કરી નાખીશ.''