૨૫
૧ યહૂદિયાના રાજા, યોશિયાના દીકરા, યહોયાકીમના ચોથા વર્ષમાં એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં યહૂદિયાના સર્વ લોક વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે; ૨ અને જે વચન યમિર્યા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ આગળ બોલ્યો તે આ છે;
૩ યહૂદિયાના રાજા આમ્મોનના દીકરા યોશિયાના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ. ૪ વળી યહોવાહે સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ. અને સાંભળવાને કાન ધર્યો નહિ.
૫ આ પ્રબોધકોએ કહ્યું કે, તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો અને જે ભૂમિ યહોવાહે તમને અને તમારા પિતૃઓને પુરાતનકાળથી આપી છે તેમાં સદાકાળ રહો. ૬ અન્ય દેવોની પૂજા અને સેવા કરવા સારુ તેઓની પાછળ જશો નહિ. તમારા હાથની કૃતિઓથી મને ક્રોધિત કરશો નહિ. એટલે હું તમને કંઈ હાનિ પહોંચાડીશ નહિ.'
૭ પરંતુ તમે મારું સાંભળ્યું નહિ” એમ યહોવાહ કહે છે, પણ પોતાના હાથથી બનાવેલી કૃતિઓ વડે મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું છે.” ૮ તેથી સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તમે મારાં વચનો સાંભળ્યાં નથી, ૯ જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.
૧૦ હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ. ૧૧ આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે.
૧૨ અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે. ૧૩ તે દેશ વિષે જે સર્વ વચન હું બોલ્યો હતો. તે મુજબ હું તેના પર વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે જે ભવિષ્ય સર્વ દેશો વિષે યર્મિયાએ કહ્યું છે તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ. ૧૪ તેઓ પોતે ઘણી પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેઓને તેઓનાં આચરણ મુજબ, તેઓના હાથનાં કૃત્યોનો બદલો આપીશ.”
૧૫ માટે યહોવાહ ઇઝરાયલના ઈશ્વરે આ પ્રમાણે મને કહ્યું કે; “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવ. ૧૬ અને જે તરવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ એ પીધા પછી ભાન ભૂલી લથડિયાં ખાશે.”
૧૭ આથી મેં યહોવાહના હાથમાંથી તે પ્યાલો લીધો. અને મને જે પ્રજાઓમાં મોકલ્યો તેઓને તે પાયો. ૧૮ એટલે યરુશાલેમને તથા યહૂદિયાનાં નગરોને તેઓના સરદારોને મેં તે પાયો પરિણામે આજની જેમ તેઓ ઉજ્જડ થઈને વિસ્મય, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થાય.
૧૯ વળી મિસરના રાજા ફારુન તેના સેવકો અને તેના અમલદારોને તેના બધા લોકોએ આ પીણું પીધું. ૨૦ તેમ જ સર્વ મિશ્રજાતિઓ, મિસરમાં વસતા બધા વિદેશીઓ, ઉસના બધા રાજાઓ, પલિસ્તીઓના દેશના રાજાઓ આશ્કલોન, ગાઝા અને એક્રોન તથા આશ્દોદના બચી ગયેલા; ૨૧ અદોમ, મોઆબ અને આમ્મોનીઓ;
૨૨ તૂરના અને સિદોનના બધા રાજાઓ સમુદ્રની પેલે પારના બધા રાજાઓ; ૨૩ દદાન, તેમા અને બૂઝ અને એ બધા જેઓએ તેઓના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યા હતા,
૨૪ આ લોકોએ પણ તે પીવો પડશે; એટલે કે, અરબસ્તાનના સર્વ રાજાઓ અને અરણ્યમાં વસેલી મિશ્રજાતિઓના રાજાઓ; ૨૫ ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; ૨૬ ઉત્તરના અને દૂરના, બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરનાં બધાં રાજ્યો એ તમામને મેં એ પ્યાલો પાયો. તેઓની પાછળ શેશાખનો રાજા પણ એ પીશે.”
૨૭ યહોવાહે મને કહ્યું કે, “હવે તારે તેઓને કહેવું કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “પીઓ અને મસ્ત થઈને ઓકો, જે તરવાર હું તમારા પર મોકલીશ તેને લીધે પીઓ અને પાછા ઊઠો નહિ.”' ૨૮ જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો તારે તેઓને કહેવું. 'સૈન્યોના યહોવાહ કહે છે કે; “તમે નિશ્ચે એ પીશો. ૨૯ માટે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે. તેની પર હું આફત લાવવાનો જ છું. તો શું તમે શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહી. કેમ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર તરવાર બોલાવી મંગાવીશ!” એમ સૈન્યોના યહોવાહ કહે છે.
૩૦ તેથી હે યર્મિયા તું તેઓની વિરુદ્ધ આ સર્વ વચનો કહે. તારે તેઓને કહેવું કે,
'યહોવાહ તેમના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે. પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડશે.
તે પોતાના નિવાસસ્થાનમાંથી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ લોકોની વિરુદ્ધ હોંકારો કરશે.
૩૧ પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે. કેમ કે વિદેશીઓ સાથે યહોવાહ વિવાદ કરે છે. તે સર્વ માણસોનો ન્યાય કરશે. તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.” એમ યહોવાહ કહે છે.
૩૨ સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહી છે,
પૃથ્વીના છેક છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે. ૩૩ તે દિવસે યહોવાહે જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે શોક કરવામાં આવશે નહિ, તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.
૩૪ હે પાળકો વિલાપ કરો. તથા બૂમ પાડો, હે ટોળાંના સરદારો તમે રાખમાં આળોટો.
કેમ કે તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. હું તમારા ટુકડા કરી નાખીશ અને તમે સુંદર પાત્ર પડીને ભાંગી જાય તેમ પડશો.
૩૫ પાળકો તથા ટોળાંના સરદારોને નાસવાનો કે બચવાનો કોઈ રસ્તો પણ મળશે નહિ
૩૬ પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું સંભળાય છે,
કેમ કે યહોવાહ તેમનું બીડ ઉજ્જડ કરી નાખે છે.
૩૭ યહોવાહના ભારે રોષને કારણે તેઓના શાંત નિવાસો ખંડેર થયા છે.
૩૮ તે સિંહની જેમ પોતાની ગુફામાંથી બહાર આવે છે. કેમ કે ઉપદ્રવ કરનારની ગર્જનાને લીધે,
તેઓના ભારે રોષને લીધે તેઓની ભૂમિ વિસ્મય પમાડે એવી વેરાન થઈ ગઈ છે.”