૫
૧ તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:
૨ “જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી,
ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા,
અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!
૩ 'રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો!
હું ઈશ્વર માટે ગાઈશ;
હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
૪ ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા,
જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી,
ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી
અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.
૫ ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા;
સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.
૬ આનાથના દીકરા શામ્ગારના દિવસોમાં,
યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને
વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
૭ ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં,
તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી,
હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.
૮ તેઓએ નવા દેવોને પસંદ કર્યા
અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી;
ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.
૯ મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે,
રાજીખુશીથી લોકો સમર્પિત થયા.
તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો! ૧૦ તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા,
કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં,
તમે તેનાં ગુણગાન ગાઓ.
૧૧ તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં,
ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના
રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે.
“ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.
૧૨ જાગ, જાગ, હે દબોરા;
જાગ, જાગ, ગીત ગા!
હે બારાક, તું ઊઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ બનાવનારાઓને તું ગુલામ કરી લઈ જા.
૧૩ પછી અમીરોમાંથી તથા લોકોમાંથી બચેલા આવ્યા;
ઈશ્વર મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
૧૪ તેઓ એફ્રાઇમમાંથી ઊતરી આવ્યા; જેઓની જડ અમાલેકમાં છે;
તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો;
માખીરમાંથી અધિકારીઓ
અને ઝબુલોનમાંથી અમલદારની છડી ધારણ કરનાર ઊતરી આવ્યા.
૧૫ અને ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા;
ઇસ્સાખાર હતો તેવો જ બારાક પણ હતો;
તેની આજ્ઞાથી તેના પગ પાછળ તેઓ ખીણમાં ઘસી ગયા.
રુબેનની ખીણ પાસે તેઓએ લાંબી મસલત કરી.
૧૬ ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડામાં બેઠો?
રુબેનની ખીણ પાસે લાંબી વિચારણા થઈ.
૧૭ ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો;
અને દાન કેમ તે વહાણોમાં રહ્યો?
આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો
અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
૧૮ ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનનાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને મોત સુધી જોખમમાં નાખ્યા.
૧૯ રાજાઓ આવીને લડ્યા,
ત્યારે મગિદ્દોનાં પાણીની પાસેના તાનાખમાં,
કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું; તેઓએ ધનનો કંઈ લાભ લીધો નહિ.
૨૦ આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું,
તારાઓએ પોતાની કક્ષામાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
૨૧ કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ,
એટલે પેલી પ્રાચીન નદી, કીશોન નદી.
રે મારા જીવ, તું પરાક્રમી થા અને આગળ ચાલ!
૨૨ ત્યારે કૂદવાથી, એટલે બળવાન ઘોડાઓનાં કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
૨૩ ઈશ્વરના દૂતે કહ્યું, 'મેરોઝને શાપ દો!'
'તેના રહેવાસીઓને સખત શાપ દો; કેમ કે તેઓ ઈશ્વરની મદદે,
એટલે બળવાનની વિરુદ્ધ ઈશ્વરની મદદે આવ્યા નહિ.'
૨૪ હેબેર કેનીની પત્ની યાએલ અન્ય સ્ત્રીઓ કરતાં વધારે આશીર્વાદિત છે;
તે તંબુમાંની સ્ત્રીઓ કરતાં તે વિશેષ આશીર્વાદિત છે.
૨૫ તે માણસે પાણી માગ્યું,
ત્યારે યાએલે તેને દૂધ આપ્યું; બહુ મૂલ્યવાન થાળીમાં તેને માટે તે માખણ લાવી.
૨૬ તેણે પોતાના હાથમાં મેખ લીધી અને
પોતાના જમણાં હાથમાં મજૂરની હથોડી લીધી;
અને તે હથોડીથી તેણીએ સીસરાને માર્યો;
તેણે તેનું માથું કચડી નાખ્યું, તેણે તેનું માથું વીંધ્યું
અને તેની આરપાર ખીલો ઘુસાડી દીધો.
૨૭ તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે ત્યાં સૂતો;
તેના ચરણ આગળ તે નમ્યો, તે જ્યાં નમ્યો, ત્યાં તે મારી નંખાયો.
૨૮ સીસરાની માતાએ બારીમાંથી જોયું,
જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું,
'તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી?
તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?'
૨૯ તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો,
હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
૩૦ 'શું તેઓને લૂંટ તો મળી નહિ હોય?
શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય?
પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે;
શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?'
૩૧ હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે,
પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ.
ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.