૨૫
૧ હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ;
કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે.
૨ કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે,
પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે.
૩ તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; ક્રૂર દેશોનું શહેર તમારાથી બીશે.
૪ જ્યારે ક્રૂર લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે,
ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર,
તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો.
૫ સૂકી જગામાં તડકાની જેમ,
તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો;
જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.
૬ આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે,
ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે.
૭ જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે,
તેનો આ પર્વત પર તે નાશ કરશે.
૮ તે સદાને માટે મરણને ગળી જશે
અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે;
આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.
૯ તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉધ્ધાર કરશે;
આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉધ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”
૧૦ કેમ કે યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે;
અને જેમ ઉકરડાનાં પાણીમાં ઘાસ ખુંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખુંદાશે.
૧૧ જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે;
અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે.
૧૨ તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.