૨૯
૧ હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.
૨ અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે; ૩ એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા. ૪ પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.
૫ મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ. ૬ તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.
૭ જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો. ૮ અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો. ૯ તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.
૧૦ આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો, ૧૧ વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.
૧૨ માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ. ૧૩ કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય.
૧૪ અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી. ૧૫ પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ;
૧૬ આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.
૧૭ તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે. ૧૮ રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય, ૧૯ રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં મુબારકબાદી આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.
૨૦ યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે. ૨૧ અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે.
૨૨ અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે. ૨૩ વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે. ૨૪ ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, 'યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?'
૨૫ ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો. ૨૬ બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.
૨૭ તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો. ૨૮ અને કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.
૨૯ મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.