૧૧
૧ એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.
૨ હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા, તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી, ૩ તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.
૪ મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી; ૫ અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.
૬ અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલીઆબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ. ૭ પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.
૮ તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો; ૯ યહોવાહે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.
૧૦ તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું. ૧૧ પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે, ૧૨ તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.
૧૩ અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે, ૧૪ હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો. ૧૫ હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.
૧૬ સાવચેત રહો રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો; ૧૭ રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.
૧૮ માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો. ૧૯ જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.
૨૦ તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો. ૨૧ જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
૨૨ કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો, ૨૩ યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.
૨૪ દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે. ૨૫ વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.
૨૬ જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું. ૨૭ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો; ૨૮ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.
૨૯ જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો. ૩૦ શું તેઓ યર્દનની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?
૩૧ કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો. ૩૨ હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.