૨૧
પાઉલ યરુશાલેમ જાય છે
૧ એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા. ૨ ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.
૩ પછી સાયપ્રસ [ટાપુ] નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો. ૪ અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા [ની પ્રેરણા] થી પાઉલને કહ્યું કે, 'તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.'
૫ તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી, ૬ એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયા.
૭ પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા. ૮ બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા. ૯ આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.
૧૦ અમે ત્યાં ઘણાં દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. ૧૧ તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથપગ બાંધીને કહ્યું કે, 'પવિત્ર આત્મા એમ કહે છે કે, 'જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે.'
૧૨ અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી. ૧૩ ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું હૃદય દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું. ૧૪ જયારે તેણે માન્યું નહિ, ત્યારે 'પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,' એવું કહીને અમે શાંત રહ્યા.
૧૫ તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા. ૧૬ શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
પાઉલ અને યાકૂબની મુલાકાત
૧૭ અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો. ૧૮ બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળાં વડીલો ત્યાં હાજર હતા. ૧૯ તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેનાં સેવાકાર્ય વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યાં હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.
૨૦ તેઓએ તે સાંભળીને ઈશ્વરનો મહિમા કરતાં કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તું જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે. ૨૧ તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.
૨૨ તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ. ૨૩ માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે; ૨૪ તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળાં જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.
૨૫ પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહેવું.' ૨૬ ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુદ્ધિકરણના દિવસો પૂરા થશે.
ભક્તિસ્થાનમાં પાઉલની ધરપકડ
૨૭ તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો; ૨૮ તેઓએ બૂમ પાડી કે, 'હે ઇઝરાયલી માણસો, સહાય કરો જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે. ૨૯ [કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.]
૩૦ ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં. ૩૧ તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
૩૨ ત્યારે સિપાઈઓને તથા સૂબેદારોને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું. ૩૩ ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, 'એ કોણ છે, અને એણે શું કર્યું છે?'
૩૪ ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. ૩૫ પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો; ૩૬ કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, 'તેને મારી નાખો.'
પાઉલ પોતાનો બચાવ કરે છે
૩૭ તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, 'મને તારી સાથે બોલવાની રજા છે?' ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે? ૩૮ મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?'
૩૯ પણ પાઉલે કહ્યું કે, 'હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.' ૪૦ તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઈશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે,