૨૯
૧ પચીસ વર્ષની ઉંમરે હિઝકિયા રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી. ૨ હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.
૩ તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે ઈશ્વરના સભાસ્થાનના દરવાજા ખોલી નાખ્યાં અને તેમની મરામત કરાવી. ૪ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં એકત્ર કર્યા. ૫ તેણે તેઓને કહ્યું, “લેવીઓ, મારી વાત સાંભળો! તમે પોતાને શુદ્ધ કરો, તમારા પિતૃઓના ઈશ્વરના સભાસ્થાનને પણ શુદ્ધ કરો અને એ પવિત્રસ્થાનમાં જે કંઈ મલિનતા હોય તેને દૂર કરો.
૬ આપણા પિતૃઓએ પાપ કરીને આપણા ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કામો કર્યાં છે. તેઓ તેમનો ત્યાગ કરીને જ્યાં ઈશ્વર રહે છે ત્યાંથી વિમુખ થઈ ગયા. ૭ તેઓએ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ હોલવી નાખ્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનીયાર્પણ કરવાનું બંધ કરી દીધું હતું.
૮ તેથી ઈશ્વરનો કોપ યહૂદિયા અને યરુશાલેમ ઉપર ઊતર્યો છે અને તેમણે તમે જુઓ છો તેમ, તેઓને આમતેમ હડસેલા ખાવાને અચંબારૂપ તથા ફિટકારરૂપ કર્યા છે. ૯ આ કારણે આપણા પિતૃઓ તરવારથી મરણ પામ્યા છે અને એને લીધે આપણા દીકરા, દીકરીઓ તથા આપણી સ્ત્રીઓને બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે.
૧૦ હવે મેં ઇઝરાયલના પ્રભુ ઈશ્વર સાથે કરાર કરવા મારા મનને વાળ્યું છે, કે જેથી તેમનો ભયંકર ક્રોધ આપણા ઉપરથી ઊતરી જાય. ૧૧ માટે હવે, મારા દીકરાઓ, આળસુ ન બનો, કેમ કે ઈશ્વરે તેની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે તથા તેમના સેવક થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યાં છે.”
૧૨ પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆ તથા યોઆનો પુત્ર એદેન; ૧૩ અલીસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઉએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; ૧૪ હેમાનના પુત્રોમાંના યહૂએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.
૧૫ તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા અને પોતાને પવિત્ર કરીને તેઓ ઈશ્વરના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે ઈશ્વરના ઘરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા. ૧૬ યાજકો ઈશ્વરના ઘરના અંદરના ભાગમાં સફાઈ કરવા ગયા; જે સર્વ અશુધ્ધિ ઈશ્વરના સભાસ્થાનમાંથી તેઓને મળી તે તેઓ ઈશ્વરના ઘરના આંગણામાં બહાર લાવ્યા. લેવીઓ તે અશુધ્ધિ કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા. ૧૭ હવે તેઓએ પહેલા મહિનાના પહેલા દિવસે ઘરમાં સ્વચ્છતાનું કામ શરૂ કર્યું. અને તે જ મહિનાને આઠમે દિવસે તેઓ ઈશ્વરના ઘરની પરસાળમાં આવ્યા. તેઓએ આઠ દિવસમાં ઈશ્વરના ઘરને શુદ્ધ કરીને પહેલા મહિનાના સોળમા દિવસે તે કામ પૂરું કર્યું.
૧૮ પછી તેઓએ રાજમહેલમાં હિઝકિયા રાજાની હજૂરમાં જઈને તેને કહ્યું, “અમે ઈશ્વરનું આખું ઘર, દહનીયાર્પણની વેદી અને તેનાં ઓજારો તથા અર્પેલી રોટલીની મેજ અને તેનાં સર્વ ઓજારો સ્વચ્છ કર્યાં. ૧૯ વળી જે સર્વ પાત્રો આહાઝ રાજાની કારકિર્દીમાં તેણે ઉલ્લંઘન કર્યું ત્યારે દૂર કર્યાં, તેઓને પણ અમે સાફ કરીને શુદ્ધ કર્યાં છે. જુઓ, તે ઈશ્વરની વેદી આગળ મૂકેલાં છે.”
૨૦ પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો. ૨૧ તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના દીકરાઓને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.
૨૨ તેથી તેઓએ બળદોને મારી નાખ્યા અને યાજકોએ તેમનું લોહી વેદી પર છાંટ્યું. તેઓએ ઘેટાંઓને મારી નાખીને તેમનું લોહી પણ વેદી પર છાંટ્યું; તેઓએ હલવાનને મારીને તેમનું લોહી પણ વેદી ઉપર છાંટ્યું. ૨૩ પછી રાજા તથા પ્રજાની આગળ પાપાર્થાર્પણના બકરાઓને નજીક લાવીને તેઓએ તેમના ઉપર હાથ મૂક્યા. ૨૪ યાજકોએ તેમને કાપી નાખીને તેમનું લોહી સમગ્ર ઇઝરાયલના પાપના પ્રાયશ્ચિત માટે વેદી ઉપર તેમનું પાપાર્થાર્પણ કર્યું; કેમ કે રાજાએ એવી આજ્ઞા આપી હતી કે, સર્વ ઇઝરાયલીઓને માટે દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ કરવું જોઈએ.
૨૫ દાઉદના પ્રબોધક ગાદની તથા નાથાન પ્રબોધકની આજ્ઞા પ્રમાણે તેણે લેવીઓને ઝાંઝો, સિતારો તથા વીણાઓ સહિત ઈશ્વરના ઘરમાં સેવા કરવા માટે નિયુક્ત કર્યા. કેમ કે ઈશ્વરે પોતાના પ્રબોધકો દ્વારા એવી આજ્ઞા આપી હતી. ૨૬ લેવીઓ દાઉદનાં વાજિંત્રો તથા યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા.
૨૭ હિઝકિયાએ વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી. જયારે દહનીયાર્પણ ચઢાવવાનું શરૂ થયું તે જ સમયે તેઓ ઈશ્વરનાં ગીત ગાવા લાગ્યા અને તેની સાથે રણશિંગડાં તથા ઇઝરાયલના રાજા દાઉદનાં વાજિંત્રો પણ વગાડવામાં આવ્યાં. ૨૮ આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશિંગડાં વગાડનારાઓએ રણશિંગડાં વગાડ્યાં; એ પ્રમાણે દહનીયાર્પણ પૂરું થતાં સુધી ચાલુ રહ્યું.
૨૯ જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી. ૩૦ વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.
૩૧ પછી હિઝકિયાએ કહ્યું, “હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો.” આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી.
૩૨ જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા. ૩૩ વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.
૩૪ પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહનીયાર્પણોનાં ચર્મ ઉતારી શક્યા નહિ, માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે કાળજી રાખતા હતા.
૩૫ વળી દહનીયાર્પણો, તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોની ચરબી તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી. ૩૬ ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું.