જગત પર વિજય
૧ ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને જન્મ આપનાર પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે. ૨ જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ. ૩ કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.
૪ કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. ૫ જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?
ઈસુ ખ્રિસ્ત વિશેની સાક્ષી
૬ પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે. ૭ જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. ૮ સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક છે.
૯ જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે. ૧૦ જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેમણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
૧૧ આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. ૧૨ જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.
અનંતજીવન
૧૩ તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. ૧૪ તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે. ૧૫ જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
૧૬ મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે પ્રાર્થના કરવી, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે મધ્યસ્થતા કરવી. ૧૭ સર્વ અન્યાય પાપ છે, અને જે મરણકારક નથી એવું પણ પાપ છે.
૧૮ આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી. ૧૯ આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
૨૦ વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચો (સત્ય) અને અનંતજીવન છે. ૨૧ પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.