૧૫
સજીવન થયેલા ખ્રિસ્ત
૧ હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, ૨ જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.
૩ કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા; ૪ વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.'
૫ પિતરને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. ૬ ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે. ૭ ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.
૮ સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું. ૯ કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.
૧૦ પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા. ૧૧ હું કે તેઓ, એમ અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અને તે પર તમોએ વિશ્વાસ કર્યો છે.
આપણા સજીવન થવા વિષે સમજણ
૧૨ પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, 'મૃત્યુ પામેલાઓનું મરણોત્થાન નથી?' ૧૩ પણ જો મૃત્યુ પામેલાઓનું મરણોત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. ૧૪ અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.
૧૫ અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી. ૧૬ કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. ૧૭ અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો;
૧૮ અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. ૧૯ જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
૨૦ પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે. ૨૧ કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું મરણોત્થાન પણ થયું છે.
૨૨ કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે. ૨૩ પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને [સજીવન કરવામાં આવશે].
૨૪ જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે. ૨૫ કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. ૨૬ જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.
૨૭ કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, 'સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.' ૨૮ પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.
૨૯ જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે? ૩૦ અમે પણ વારંવાર જોખમમાં શા માટે પડીએ છીએ?
૩૧ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારા વિષે મારો જે આનંદ છે તેની ખાતરી સાથે કહું છું કે, 'હું દિનપ્રતિદિન મરું છું. ૩૨ જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.
૩૩ ખાસ યાદ રાખો; ખરાબ સંગત સારા આચરણને બગાડે છે. ૩૪ ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.
૩૫ પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે? ૩૬ ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ;
૩૭ જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજનાં. ૩૮ પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે. ૩૯ સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.
૪૦ સ્વર્ગીય શરીરો છે તેમ જ પૃથ્વી પરનાં શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે. ૪૧ સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.
૪૨ મૂએલાંઓનું મરણોત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. ૪૩ અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. ૪૪ ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.
૪૫ લખ્યું છે કે, 'પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. ૪૬ આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક.
૪૭ પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. ૪૮ જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. ૪૯ આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું.
૫૦ હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. ૫૧ જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડુ વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું;
૫૨ કેમ કે રણશિંગડુ વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે. ૫૩ કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે.
૫૪ જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, 'મરણ જયમાં ગરક થઈ ગયું છે.' ૫૫ અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?'
૫૬ મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; ૫૭ પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
૫૮ એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.