૧૨
૧ રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા. ૨ નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું, પછી તે હજી મિસરમાં હતો, તે સુલેમાન રાજાની હજૂરમાંથી ત્યાં નાસી ગયો હતો. પછી યરોબામ મિસરમાં રહેતો હતો.
૩ તેથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવડાવ્યો. અને યરોબામે તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું, ૪ “તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી. હવે પછી તારા પિતા અમારી પાસે સખત ગુલામી કરાવે છે તે બંધ કરાવ તથા અમારા પર તેણે મૂકેલી તેની ભારે ઝૂંસરી તું હલકી કરાવ, તો અમે તારે પક્ષે રહીને તારી સેવા કરીશું.” ૫ રહાબામે તેઓને કહ્યું, “અહીંથી ત્રણ દિવસ માટે ચાલ્યા જાઓ; પછી મારી પાસે પાછા આવજો.” એટલે તે લોકો ગયા.
૬ રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં, તેની આગળ જે વૃદ્ધ પુરુષો ઊભા હતા તેઓનું માર્ગદર્શન માગ્યું કે, “આ લોકોને જવાબ આપવા માટે તમે શી સલાહ આપો છો?” ૭ તેઓએ તેને કહ્યું, “જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને જવાબ આપીશ અને તેઓને ઉત્તમ વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવકો થઈને રહેશે.”
૮ પણ રહાબામે વૃદ્ધ પુરુષોની આપેલી સલાહનો ઇનકાર કર્યો. અને જે યુવાનો તેની સાથે મોટા થયા હતા, જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ પૂછી. ૯ તેણે તેઓને પૂછ્યું, “આ જે લોકોએ મને કહ્યું છે કે, 'તારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તું હલકી કર.' તેઓને આપણે શો જવાબ આપીએ? તમે શો અભિપ્રાય આપો છો?”
૧૦ જે જુવાન પુરુષો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે, “આ જે લોકોએ તમને કહ્યું હતું કે તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરની ઝૂંસરીને હલકી કર. તેઓને તારે એમ કહેવું, 'મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે. ૧૧ તો હવે, મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી મૂકી, તે તમારા પરની ઝૂંસરી હું વધુ ભારે કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ.'”
૧૨ રાજાએ ફરમાવેલું, “ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો.” તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા. ૧૩ રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇનકાર કર્યો. ૧૪ તેણે જુવાન પુરુષોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી, પણ હું તો તમારી ઝૂંસરી વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછીઓથી શિક્ષા કરીશ.”
૧૫ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ. કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો, કે જેથી યહોવાહે પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.
૧૬ જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો,
“દાઉદમાં અમારો શો ભાગ?
યશાઈના પુત્રમાં અમારો વારસો નથી!
ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ.
હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.”
તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા. ૧૭ પણ યહૂદિયાનાં નગરોમાં રહેતા ઇઝરાયલી લોકો પર રહાબામે રાજ કર્યું.
૧૮ પછી અદોરામ જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી ગયો. ૧૯ તેથી ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.
૨૦ જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો અને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, ત્યાં દાઉદના કુટુંબનું અનુસરણ કરવા કોઈ રહ્યું નહિ.
૨૧ જયારે સુલેમાનનો દીકરો રહાબામ યરુશાલેમ આવ્યો ત્યારે તેણે રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલના કુળોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ યહૂદાના આખા કુળના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા લડવૈયાઓને પોતાને પક્ષે એકત્ર કર્યા.
૨૨ પણ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવ્યું; ૨૩ “યહૂદિયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને, યહૂદા તથા બિન્યામીનના આખા ઘરનાંને તથા બાકીના લોકોને એમ કહે કે, ૨૪ 'યહોવા આમ કહે છે: તમે હુમલો ન કરશો, તેમ જ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની વિરુદ્ધ યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાને ઘરે પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે.'” માટે તેઓ યહોવાહની વાત સાંભળીને તેમના કહેવા પ્રમાણે પોતપોતાને માર્ગે પાછા વળ્યા.
૨૫ પછી યરોબામે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું અને તે ત્યાં રહ્યો. ત્યાંથી રવાના થઈને તેણે પનુએલ બાંધ્યું. ૨૬ યરોબામે પોતાના મનમાં વિચાર કર્યો, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે. ૨૭ જો આ લોકો યરુશાલેમમાં યહોવાહના ભક્તિસ્થાનમાં યજ્ઞ કરવા માટે જશે, તો આ લોકોનું મન તેમના માલિક તરફ એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે. તેઓ મને મારી નાખશે અને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહેશે.”
૨૮ તેથી રાજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા અને યરોબામે તેઓને કહ્યું, “યરુશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલીઓ જુઓ, આ રહ્યા તમારા દેવો કે જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.” ૨૯ તેણે એક વાછરડાને બેથેલમાં સ્થાપ્યો અને બીજાની સ્થાપના દાનમાં કરી. ૩૦ તેથી આ કાર્ય પાપરૂપ થઈ પડ્યું. લોકો બેમાંથી એકની પૂજા કરવા માટે દાન સુધી જતા હતા.
૩૧ યરોબામે ઉચ્ચસ્થાનોનાં પૂજાસ્થાનો બંધાવ્યાં; તેણે લેવીપુત્રોમાંના નહિ એવા બાકીના લોકોમાંથી યાજકો ઠરાવ્યાં. ૩૨ યરોબામે આઠમા માસની પંદરમી તારીખે, જે પર્વ યહૂદિયામાં પળાતું હતું તેના જેવું પર્વ ઠરાવ્યું, તેણે વેદી પર બલિદાનો ચઢાવ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું. અને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાનો આપ્યાં. ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યાં હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
૩૩ જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ પંદરમી તારીખે તે ગયો અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.