13
તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.
કોઇ પણ જૂઠા પ્રબોધકો નહિ
“અને તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામોનિશાન સંપૂર્ણપણે મિટાવી દઇશ. મૂર્તિઓને કોઇ યાદ નહિ કરે. પ્રત્યેક જૂઠા પ્રબોધક અને અશુદ્ધ આત્માને દૂર કરવામાં આવશે. એ પછી જો કોઇ પ્રબોધકની જેમ વર્તશે તો તેને જન્મ આપનારા તેના માબાપ તેને કહેશે કે, તને જીવવાનો અધિકાર નથી, કારણ, ‘તું યહોવાને નામે જૂઠું બોલે છે.’ અને પ્રબોધક તરીકે વર્તવા માટે તેને જન્મ આપનારા તેના માબાપ જ તેને વીંધી નાખશે. તે દિવસે કોઇ પ્રબોધકને સંદર્શન થશે તો તે શરમાશે, અને લોકોને ઠગવા માટે પ્રબોધકનો પોશાક નહિ પહેરે, અને તે કહેશે, ‘ના હું પ્રબોધક નથી, હું ખેડુત છું. મારી જુવાનીના સમયથી જ હું જમીન ઉપર ગુજારો કરતો આવ્યો છું.’ અને તેને જો કોઇ એમ પૂછશે કે, ‘તારી છાતી પર આ ઘા શાના છે?’ તો તે કહેશે કે, ‘એ ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા.’ ”
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ. અને સમગ્ર ઇસ્રાએલ દેશની વસ્તીના બે તૃતીયાંશ લોકો સંહાર પામીને માર્યા જશે. પરંતુ એક તૃતીયાંશ બચી જશે. અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.’ ”